આંદોલનકારી ખેડૂતોએ લાલ કિલ્લા ખાતે ધ્વજ ફરકાવ્યા

નવી દિલ્હીઃ આજે ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી અપાયા બાદ આંદોલનકારી ખેડૂતો પ્રજાસત્તાક દિવસ હોઈ ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે પહોંચી ગયા હતા અને ત્યાંના પરિસરમાં દેખાવો કર્યા હતા, રાષ્ટ્રધ્વજ અને એમના સંગઠનના ધ્વજ ફરકાવ્યા હતા.

અમુક વિસ્તારમાં ખેડૂત આંદોલને હિંસક સ્વરૂપ પણ ધારણ કર્યું હતું. દેખાવકારોએ જાહેર મિલકતની તોડફોડ કરી હતી અને પોલીસ જવાનોને ટાર્ગેટ બનાવ્યા હતા. જૂના દિલ્હી પોલીસ મુખ્યાલયની સામે પોલીસે મૂકેલા અવરોધોને આંદોલનકારીઓએ તોડી નાખ્યા હતા. ત્યાંથી તેઓ આર.ટી.ઓ. કચેરી તરફ આગળ વધ્યા હતા. ત્યાં તેમણે એક દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસની તોડફોડ કરી હતી. હિંસક દેખાવકારોને વિખેરવા માટે પોલીસોએ અશ્રુવાયુના શેલ ફોડ્યા હતા. આંદોલનકારીઓના ઉગ્ર બનેલા વલણને જોતાં દિલ્હીમાં અનેક મેટ્રો રેલવે સ્ટેશનોના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે રેલી દરમિયાન હિંસા થઈ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે રેલી શાંતિપૂર્ણ રહી છે.