નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા લોકડાઉન ને પગલે મોટા મોટા શહેરોમાં રહેતા મજૂરો તેમના વતનમાં ઘરે પરત ફરી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના બરેલીમાં વતન પરત ફરતા મજૂરોને સેનિટાઇઝરથી સ્નાન કરવામાં આવ્યું હોવાનો વિડિયો વાઈરલ થયો છે. બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સ્થાનિક વહીવટી તંત્રના આ પગલાની નિંદા કરી હતી. આ સાથે જ ત્રણેય નેતાઓએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માગ કરી હતી. જો કે, વિડિયો વાઈરલ થયા બાદ જિલ્લા કલેક્ટરે આ મામલે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મામલે ટ્વીટ કર્યું કે,’યુપી સરકારને વિનંતી છે કે આપણે બધા મળીને આ આફત સામે લડી રહ્યા છીએ, પરંતુ કૃપા કરીને આવા અમાનવીય કૃત્યો ન કરો. કામદારોએ પહેલેથી જ ઘણી હાલાકી ભોગવી છે તેમના પર કેમિકલ છાંટીને તેમને આ રીતે સ્નાન ન કરાવો. આવી ઘટનાઓથી તેમનો બચાવ નહીં થાય પરંતુ તેમના સ્વાસ્થ્યને લઇને સવાલ ઉભા થશે.
મહત્વનું છે કે, આ ઘટના અંગે જિલ્લા વહીવટી તંત્રએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાશે. તો જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ વીડિયોની તપાસ કરવામાં આવી છે. સીએમઓના આદેશ અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી જેમાં બસને સેનિટાઇઝ કરવાની વાત હતી પરંતુ કર્મચારીઓના વધુ પડતા ઉત્સાહને કારણે આવી ઘટના બનવા પામી છે જેના વિરૂદ્ધ કડક પગલા લેવામાં આવશે.