નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં નાગરિકતા કાયદાને લઈને કરવામાં આવી રહેલું વિરોધ પ્રદર્શન પોલીસના બળ પ્રયોગ બાદ હિંસામાં બદલાયું છે. પોલીસના વ્યવહારને લઈને દેશના જાણીતા વિશ્વવિદ્યાલયોએ પણ જામિયા અને AMU ના વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું. ત્યાં સુધી કે બોલીવુડના સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલા વ્યવહારની ટીકા કરી છે. તાજેતરમાં જ આ મુદ્દે બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ ટ્વીટ કર્યું, જેમાં તેમણે કહ્યું કે દરેક અવાજ સાંભળવામાં આવે છે. અને દરેક અવાજ ભારતના બદલાવનું કાર્ય કરશે. પ્રિયંકા ચોપરાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
પોતાના ટ્વીટમાં પ્રિયંકા ચોપરાએ વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરતા લખ્યું કે, દરેક બાળક માટે શિક્ષણ આપણું સ્વપ્ન છે. શિક્ષણ જ તેમને સ્વતંત્ર રુપે વિચાર કરવા લાયક બનાવે છે. આપણે તેમને અવાજ ઉઠાવવા માટે મોટા કર્યા છે. એક સ્વતંત્ર લોકતંત્રમાં, શાંતિથી અવાજ ઉઠાવવો અને બાદમાં તેને હિંસામાં બદલવી તે ખોટું છે. દરેક અવાજની નોંધ લેવામાં આવે છે. અને દરેક અવાજ ભારતના બદલાવ માટે કાર્ય કરશે. પ્રિયંકા ચોપરા સિવાય ગત દિવસોમાં ઋતિક રોશને પણ વિદ્યાર્થીઓ માટે ટ્વીટ કર્યું હતું. પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું કે વિશ્વના સૌથી યુવાન લોકતંત્રને મારા સલામ.
પ્રિયંકા ચોપરા અને ઋતિક રોશન સિવાય સ્વરા ભાસ્કર, ઋચા ચડ્ડા, હૂમા કુરેશી, પુલ્કિત સમ્રાટ, સયાની ગુપ્તા અને અનુભવ સિન્હા જેવા ઘણા કલાકારોએ પણ વિદ્યાર્થીઓ માટે ટ્વીટ કર્યા. નાગરિકતા કાયદાને લઈને પૂર્વ દિલ્હીના સીલમપુરમાં કરવામાં આવી રહેલું વિરોધ પ્રદર્શન હિંસામાં બદલાઈ ગયું. પ્રદર્શન કરવા માટે અહીંયા આશરે 2000 જેટલા લોકો એકત્ર થયા હતા. બાદમાં એકત્ર થયેલી ભીડે અચાનક જ જાફરાબાદ ટી પોઈન્ટ વચ્ચે પથ્થરમારો કર્યો. પ્રદર્શનકારીઓએ આ દરમિયાન પોલીસ ચોકીને પણ આગ લગાવી દીધી. ઘણી બસોમાં તોડફોડ પણ કરવામાં આવી. આમાં કેટલાય પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. આખા વિસ્તારમાં ફોર્સ ગોઠવી દેવામાં આવી છે.