પ્રદ્યુમ્ન હત્યાકાંડ: પોર્ન એડિક્ટ હતો આરોપી વિદ્યાર્થી, એક વર્ષથી ચાલે છે માનસિક સારવાર

ગુરુગ્રામ- અહીંની રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં થયેલા પ્રદ્યુમ્ન હત્યાકાંડના આરોપમાં પકડાયેલા ધોરણ 11ના વિદ્યાર્થીની CBI દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. CBI તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી વિદ્યાર્થી માનસિક રીતે બિમાર હોવાનું જાણવા મળ્યું છે. જેની ગત એક વર્ષથી માનસિક સારવાર ચાલી રહી છે. તે ઘણો જ શંકાશીલ અને ઉદ્ધત પ્રકારનો વિદ્યાર્થી છે. તેના સહયોગી વિદ્યાર્થીઓનો આરોપ છે કે, તે હંમેશા ઝગડો કર્યા કરતો અને સ્કૂલ બેગમાં ચપ્પુ સાથે લઈને આવતો હતો. એટલું જ નહીં તે સ્કૂલમાં પણ પોર્ન ફિલ્મ જોતો હતો.

પોતાની ઓળખ જાહેર નહીં કરવાની શરતે તેના સહયોગી મિત્રોએ જણાવ્યું કે, પ્રદ્યુમ્ન હત્યાનો આરોપી વિદ્યાર્થી વર્તનમાં ઘણો ખરાબ હતો. નાની-નાની બાબતે સ્કુલના અન્ય વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરતો હતો. અભ્યાસમાં પણ તે કંઈ ખાસ ઉત્સાહી ન હતો.

CBI સૂત્રોનું માનીએ તો સ્કૂલમાં રજા પડી જાય તે માટે આરોપીએ પ્રદ્યુમ્નનું મર્ડર કર્યું હતું. આરોપી અભ્યાસમાં નબળો હોવાથી સ્કૂલમાં થતી પરીક્ષા અને પેરેન્ટ્સ-ટીચર મીટિંગ ટાળવા માગતો હતો. તેણે તેના મિત્રોને પણ કહી રાખ્યું હતું કે, પરીક્ષાની તૈયારી કરવાની જરૂર નથી, કારણકે સ્કૂલોમાં રજા પડવાની છે.

CBI દ્વારા મળતી માહિતી મુજબ સ્કુલના CCTV ફૂટેજમાં આરોપી વિદ્યાર્થી ચપ્પુ લઈને જતો દેખાયો છે. ત્યારબાદ તેણે પ્રદ્યુમ્નનું ગળુ કાપીને હત્યા કરી હોવાનું CBIનું માનવું છે. જો કે, આ દરમિયાન પ્રદ્યુમ્ન સાથે શારિરીક દુરવ્યવહાર થયો હોવાની વાતથી ઈનકાર કરવામાં આવ્યો છે.