નવી દિલ્હીઃ ભારતીય રેડિયોના ગ્રાન્ડ ઓલ્ડ મેન અમીન સયાનીનું નિધન થયું છે. આ વાતની પુષ્ટિ તેમના દીકરા રાજિલ સયાનીએ કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેમના પિતાને HN રિલાયન્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પણ તેમને બચાવી ના શક્યા. અમીન સયાનીનું નિધન હાર્ટ એટેક આવતાં થયું હતું. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે કરવામાં આવશે. અમીન સયાની ભારતના લોકપ્રિય એનાઉન્સર રહ્યા છે.
તેમને લોકપ્રિયતા બિનાકા ગીતમાલાથી મળી હતી. બિનાકા ગીતમાલા વર્ષ 1952માં શરૂ થયો હતો. પહેલાં એ કાર્યક્રમ રેડિયો સિલોન પર આવતો હતો અને ત્યાર બાદ એ વિવિધ ભારતી પર શરૂ થયો હતો. એ કાર્યક્રમ 42 વર્ષ સુધી આવ્યો હતો. તેમનું બહેનો અને ભાઇઓ કહેવાનો અંદાજ ઘણો લોકપ્રિય હતો. તેમણે રેડિયો પર આશરે 54,000 પ્રોગ્રામ પ્રોડ્યુસ કર્યા હતા. તેમણે 19,000 સ્પોટ/જિંગલમાં પણ તેમણે અવાજ આપ્યો હતો.
તેમના પુત્રએ સમાચાર શેર કરતાં જણાવ્યું હતું કે સયાનીને મંગળવારે રાત્રે હ્દયરોગનો હુમલો આવ્યો હતો. ત્યાર બાદ તેમને મુંબઈ HN રિલાયન્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના કેટલાક સંબંધીઓનો મુંબઈ પહોંચવાની રાહ જોવામાં આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ સયાનીને મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું છે.
તેમનો જન્મ 21 ડિસેમ્બર, 1932એ મુંબઈમાં થયો હતો. તેમને તેમના ભાઈ હામિદ સયાની લઈને આવ્યા હતા. તેમણે 10 વર્ષ સુધી અંગ્રેજી કાર્યક્રમ કર્યો હતો. તેમણે ‘ભૂત બંગલા,’ ‘તીન દેવીયાં’ ‘બોક્સર’ અને ‘કત્લ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.