CAA-વિરોધી રેલીમાં ભાગ લેનાર પોલેન્ડના વિદ્યાર્થીને ભારત છોડવાનો આદેશ

કોલકાતા:  અહીંની જાદવપુર યુનિવર્સિટીમાં ભણતા પોલેન્ડના એક વિદ્યાર્થીને ફોરેનર રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) એજન્સીએ ભારતમાંથી ચાલ્યા જવાનો આદેશ આપ્યો છે. કામિલ સેઈસીન્સ્કી નામના વિદ્યાર્થીને એટલા માટે ભારતમાંથી રવાના થઈ જવાનું કહેવામાં આવ્યું છે કે એણે કોલકાતામાં હાલમાં યોજાઈ ગયેલી નાગરિકતા સુધારિત કાયદા (CAA) વિરોધી રેલીમાં ભાગ લીધો હતો.

આ પહેલાં, આ જ પ્રકારના એક બનાવમાં, વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં ભણતી એક બાંગ્લાદેશી વિદ્યાર્થિનીને પણ ભારત છોડી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો, કારણ કે એણે યુનિવર્સિટી કેમ્પસમાં યોજવામાં આવેલા CAA-વિરોધી દેખાવોની તસવીરો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી હતી. અફસારા અનિકા મીમ નામની તે વિદ્યાર્થિની ભારત સરકાર વિરોધી પ્રવૃત્તિઓ કરતી હોવાનું જણાવી એને નોટિસ આપવામાં આવી છે.

કામિલ સેઈસીન્સ્કી નામનો પોલિશ વિદ્યાર્થી કમ્પેરેટિવ લિટરેચર વિષયનું ભણે છે. નોટિસ મળ્યાના 15 દિવસમાં ભારત છોડી જવાનો એને આદેશ આપવામાં આવ્યો છે. એને FRRO ના કોલકાતા સ્થિત કાર્યાલયમાં આવીને મળી જવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો અને તે 22 ફેબ્રુઆરીએ મળવા ગયો હતો.

ભારત સરકારે કહ્યું છે કે એ વિદ્યાર્થી સ્ટુડન્ટ વિઝા પર ભારતમાં રહેતો વિદેશી વિદ્યાર્થી હતો અને CAA-વિરોધી રેલીમાં સામેલ થવાની એની હરકતને અયોગ્ય ગણવામાં આવી છે.

સેઈસીન્સ્કીએ ગયા ડિસેંબરમાં કોલકાતાના મૌલાલી વિસ્તારમાં આયોજિત CAA-વિરોધી રેલીમાં ભાગ લીધો હતો. એક બંગાળી દૈનિકે એનો ઈન્ટરવ્યૂ લીધો હતો અને એ રિપોર્ટ બીજા દિવસે પ્રકાશિત પણ કર્યો હતો. કેટલાક લોકોએ તે અખબારની કોપી FRRO એજન્સીને મોકલી હતી. ભારતમાં રાજકીય બાબતોમાં માથું મારવાની લાલચને કારણે સેઈસીન્સ્કી ફસાયો છે, એમ જાદવપુર યુનિવર્સિટીના અનેક શિક્ષકોનું કહેવું છે.

બંને વિદ્યાર્થીએ FRRO એજન્સીને વિનંતી કરી છે કે તે એના નિર્ણયમાં ફેરવિચારણા કરે. એમણે વચન આપ્યું છે કે તેઓ હવે પછી ક્યારેય પણ આ પ્રકારના વિરોધ-દેખાવોમાં ભાગ નહીં લે. FRRO એજન્સીએ કહ્યું છે કે આ વિશેનો નિર્ણય દિલ્હીના સત્તાવાળાઓ લેશે.