જમ્મુમાં ‘સિટી ચૌક’નું નામ બદલીને ‘ભારત માતા ચૌક’ કરાયું

જમ્મુ : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના જમ્મુ પ્રદેશના જમ્મુ શહેરના ધંધા-રોજગાર માટે જાણીતા વિસ્તાર ‘સિટી ચૌક’નું નામ બદલીને ‘ભારત માતા’ ચૌક કરવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટી શાસિત જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશને આ માટેના એક પ્રસ્તાવને ગઈ કાલે પાસ કરી દીધો હતો.

ઐતિહાસિક સિટી ચૌકનું નામ બદલીને ભારત માતા ચૌક કરાયું છે એના મિશ્ર પ્રત્યાઘાતો આવ્યા છે. મોટા ભાગના લોકોએ આ નામકરણને આવકાર્યું છે, પણ અમુક લોકો વિરોધ કરી રહ્યા છે.

આ નિર્ણયને આવકારનાર લોકોએ જમ્મુ મહાનગરપાલિકાને વિનંતી કરી છે કે તમે નામો બદલવાને બદલે શહેરના વિકાસ અને સ્વચ્છતા પર ધ્યાન વધારે કેન્દ્રિત કરો.

ભાજપનાં સિનિયર નેતા જમ્મુના નાયબ મેયર પુર્ણિમા શર્માએ નામકરણનો પ્રસ્તાવ ચાર મહિના પહેલાં રજૂ કર્યો હતો. એમણે કહ્યું હતું કે સિટી ચૌકનું નામ બદલીને ‘ભારત માતા ચૌક’ કરવાની સ્થાનિક લોકોની જ માગણી છે.

આ ચૌક ભૂતકાળમાં અનેક મોટા નિર્ણયોનો સાક્ષી રહ્યો છે અને ઘણા વિરોધ-દેખાવો પણ થયા છે. દર વર્ષે દેશના પ્રજાસત્તાક દિન તથા સ્વાતંત્ર્ય દિને આ ચોક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.

એવી જ રીતે, જમ્મુના ‘સર્ક્યૂલર રોડ ચૌક’નું નામ પણ બદલી નાખવામાં આવ્યું છે. આને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીની સ્મૃતિમાં ‘અટલજી ચૌક’ નામ આપવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]