નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને આજે સંસદમાં નાણાકિય વર્ષ 2020-21 નું બજેટ રજૂ કર્યું. બજેટ બાદ વડાપ્રધાન મોદીએ બજેટના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ દશકના પહેલા બજેટ માટે, જેમાં વિઝન પણ છે અને એક્શન પણ છે. હું નાણામંત્રી નિર્મલા સીતારમનજી અને તેમની ટીમને ખૂબ શુભેચ્છાઓ આપું છું.
વડાપ્રધાને કહ્યું કે, ખેડુતોની આવક બેગણી થાય તેના પ્રયત્નોની સાથે જ 16 એક્શન પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે કે જે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારને વધારવાનું કામ કરશે. બજેટમાં નવા રિફોર્મ્સની પણ જાહેરાત કરવામાં આવી છે, તે આપણી અર્થવ્યવસ્થાને ગતિ આપવાનું, દેશના પ્રત્યેક નાગરિકને આર્થિક રુપે સશક્ત બનાવવાનું અને આ દશકમાં અર્થવ્યવસ્થાના મૂળને મજબૂત કરવાનું કામ કરશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રોજગારના પ્રમુખ ક્ષેત્રો એગ્રીકલ્ચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઈલ અને ટેક્નોલોજી છે. એમ્પ્લોયમેન્ટ જનરેશનને વેગ આપવા માટે આ ચારેય મુદ્દાઓ પર આ બજેટમાં જોર આપવામાં આવ્યું છે.