નવી દિલ્હીઃ માત્ર ભારતના જ નહીં, પરંતુ દુનિયાભરમાં લોકપ્રિય નેતા બનેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. આજના વિશેષ દિવસે એમની પર અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. નરેન્દ્રભાઈનો જન્મ 1950ની 17 સપ્ટેમ્બરે ગુજરાતના વડનગરમાં થયો હતો. રાજકારણ ક્ષેત્રે નમ્ર શરૂઆત કર્યા બાદ તેઓ વિશ્વ સ્તરે એક શક્તિશાળી નેતા બન્યા છે.
વડા પ્રધાન મોદી એમના શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંસ્થા સાથે સંકળાયેલા હતા. રાજકારણમાં તેઓ 1970ની સાલથી સક્રિય રહ્યા છે, પરંતુ 1990ના દાયકાના અંતભાગ પછી એમની કારકિર્દીને નોંધપાત્ર વેગ મળ્યો હતો. 1987માં એમણે ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે સેવા બજાવી હતી. 1995માં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ એમની આગેકૂચ ઝડપી બની હતી.
2001ની 7 ઓક્ટોબરે એમને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ તેમનું પહેલું બંધારણીય માન્યતાપ્રાપ્ત પદ હતું. ગુજરાતના મુખ્યપ્રધાન પદ દરમિયાન મોદીએ અનેક લોકપ્રિય સામાજિક કલ્યાણકારી યોજનાઓને અમલમાં મૂકાવી હતી જેમાં ‘SWAGAT’ ઓનલાઈન યોજના, વાઈબ્રન્ટ ગુજરાત, પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે એમણે 13 વર્ષ સુધી સેવા બજાવી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જ્વલંત વિજય હાંસલ કર્યો હતો અને વિરોધપક્ષનો સફાયો થઈ ગયો હતો. ભાજપે ત્રણ દાયકામાં પહેલી વાર બહુમતી હાંસલ કરી હતી. પાર્ટીએ મોદીને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. એ સમયથી લઈને આજ સુધીમાં વડા પ્રધાન તરીકે મોદીએ દેશમાં અનેક જનકલ્યાણકારી યોજનાઓને અમલમાં મૂકાવી છે. જેમાં સ્વચ્છ ભારત, મેક ઈન ઈન્ડિયા અને પ્રધાનમંત્રી જન ધન યોજનાનો ખાસ ઉલ્લેખ કરવો પડે.
મોદીના ‘જાદુઈ’ વડપણ હેઠળ ભાજપે 2019ની લોકસભા ચૂંટણી પણ એક વધુ જબરદસ્ત, વધારે માર્જિન સાથે વિજય હાંસલ કર્યો હતો. મોદીના પ્રશાસન હેઠળ ભારત આજે દુનિયામાં સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરી શક્યું છે. મોદીએ હવે સંકલ્પ કર્યો છે કે તેઓ 2030ની સાલ સુધીમાં ભારતને દુનિયામાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીને રહેશે.