નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલા જૉ બાઈડન સાથે ગઈ કાલે ટેલિફોન પર વાતચીત કરી હતી. પ્રમુખપદે ચૂંટાવા બદલ બાઈડનને એમણે અભિનંદન આપ્યા હતા. બંને નેતાએ કોવિડ-19 રોગચાળા સામેના જંગમાં સહકાર આપવા તથા, ભારત-અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો-ભાગીદારી મુદ્દે ચર્ચા કરી હતી. ડેમોક્રેટિક પાર્ટીના બાઈડન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકાના 46મા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
પોતે બાઈડન સાથે ટેલિફોન પર વાતચીત કરી હોવાની જાણકારી પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી છે. મોદીએ બાઈડનને એમ પણ કહ્યું હતું કે તમારા ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલાં કમલા હેરિસને પણ મારા વતી અભિનંદન આપજો. ચૂંટણીમાં એમની સફળતા ભારતીય-અમેરિકન સમુદાય માટે મોટા ગૌરવ અને પ્રેરણાની બાબત છે.
જૉ બાઈડન ભૂતકાળમાં યૂએસ પ્રમુખ બરાક ઓબામાના વહીવટીતંત્રમાં ઉપપ્રમુખ પદે હતા. એ વખતે તે હોદ્દાની રૂએ તેઓ પીએમ મોદીને મળ્યા હતા. 2016ના જૂનમાં એમણે યૂએસ કોંગ્રેસ (સંસદ)ના સંયુક્ત સત્રનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું અને એમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું.