બંગાળમાં હુમલોઃ મોદીએ નડ્ડા, વિજયવર્ગીય સાથે વાત કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે ત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે વિજયની તકો ઊભી કરવા માટે પાર્ટીના નેતાઓ સતત પ્રયત્નશીલ છે. પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા બંગાળની બે-દિવસની મુલાકાતે ગયા છે. ગઈ કાલે એમના કાફલા પર કથિતપણે શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના સમર્થકોએ પથ્થરમારો કરતાં ખળભળાટ મચી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નડ્ડા અને પક્ષના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયને ફોન કરીને તે ઘટનાની જાણકારી મેળવી હતી.

નડ્ડાનો કાર કાફલો ગઈ કાલે ડાયમંડ હાર્બર વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે અમુક કાર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. નડ્ડાની કાર બુલેટપ્રુફ હતી એટલે તેઓ તો બચી ગયા હતા, પણ વિજયવર્ગીયને હાથ પર ઈજા થઈ છે. આ હુમલા બાદ ભાજપ વધારે આક્રમક મૂડમાં આવી ગયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બંગાળમાં પ્રવર્તતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અહેવાલ મોકલવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. રાજ્યના ગવર્નર જગદીપ ધનકરે અહેવાલ મોકલ્યો છે અને કહ્યું છે કે નડ્ડાના કાફલા પર જ્યારે હુમલો કરાયો હતો ત્યારે કાફલા માટે સુરક્ષા બંદોબસ્ત પૂરતો નહોતો.

ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ દિલીપ ઘોષે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ મૂકીને ટીએમસી સરકાર અને મુખ્ય પ્રધાન મમતા બેનરજીને સીધો પડકાર ફેંક્યો છે અને ધમકી આપી છે કે અમારી સરકાર આવશે તો અમે બદલો લઈશું, વ્યાજ સાથે વસૂલ કરીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]