નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપીને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનીઝ હાલ ભારતની મુલાકાતે આવ્યા છે. આજે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે એમનું પરંપરાગત શૈલીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એમણે અને મોદીએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
એમાં મોદીએ ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર તાજેતરમાં કરવામાં આવેલા હુમમલાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. અલ્બેનીઝની હાજરીમાં પોતાના મિડિયા નિવેદનમાં મોદીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી મંદિરો પર હુમલા વિશે આવી રહેલા અહેવાલો દુઃખદ છે. ભારતમાં દરેક જણને આનાથી ચિંતા થાય એ સ્વાભાવિક છે. ભારતીયોની આ લાગણી અને ચિંતાથી મેં વડા પ્રધાન અલ્બેનીઝને વાકેફ કર્યાં છે. એમણે મને ખાતરી આપી છે કે ભારતીય સમુદાયની સલામતી પર તેઓ વિશેષ પ્રાધાન્ય આપશે.