PM મોદીને મળ્યું ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લીઝન ઓફ ઓનર’

પેરિસઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાંસમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લીઝન ઓફ ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. PM મોદી આ સન્માન મેળવનાર પહેલા ભારતીય વડા પ્રધાન બની ગયા છે. આ સન્માન વિશ્વની કેટલીક જ હસ્તીઓને આપવામાં આવ્યું છે.

આ પહેલાં આ સન્માન જે લોકોને આપવામાં આવ્યું છે, એમાં સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ મહાસચિવ બુટ્રોસ-ઘાલી, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, વેલ્સના તત્કાલીન રાજકુમાર કિંગ ચાર્લ્સ અને જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલ વગેરે સામેલ છે. આ પહેલાં ફ્રાંસ પહોંચવા પર વડા પ્રધાન મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાંસ પહોંચવા પર ત્યાંના PM એલિઝાબેથ બોર્ને મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અહીં વડા પ્રધાન મોદીને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું અને બંને દેશોનાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યાં હતાં.

વડા પ્રધાન મોદી આજે ફ્રાંસના બેસ્ટિલ ડે પરેડમાં સામેલ થશે. તેઓ રાષ્ટ્રપતિ ઇમેન્યઅલ મેક્રોના ખાસ આમંત્રણ પર એમાં સામેલ થવા પહોંચ્યા છે. બેસ્ટિલ ડે સમારોહમાં વડા પ્રધાન  મોદી વિશેષ અતિથિ હશે. ફ્રાંસ માટે બેસ્ટિલ ડે કોઈ તહેવારથી ઓછો નથી. આ દિવસે ફ્રેન્ચ ક્રાંતિ એટલે કે ફ્રાંસિસી ક્રાંતિની યાદમાં ઊજવવામાં આવે છે. પ્રતિ વર્ષ 14 જુલાઈએ ઊજવાતા બેસ્ટિલ ડેને ફ્રાંસનો નેશનલ ડે પણ કહેવામાં આવે છે. આ દિવસે ફ્રાંસમાં રજા હોય છે અને દેશમાં ઉજવણીનો માહોલ હોય છે.

વડા પ્રધાન મોદીના ફ્રાંસ પહોંચવા પર તેમના સન્માનમાં એલિસી પેલેસમાં ખાનગી રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં વડા પ્રધાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારતની ધરતી એક મોટા પરિવર્તનની સાક્ષી બની રહી છે. તેમણે કહ્યું હતું કે વિશ્વ નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. ભારતની ભૂમિકા ઝડપથી બદલાઈ રહી છે.