નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. નવા 43 પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં કેબિનેટ કક્ષાના 15 સભ્યો તથા 28 રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ થાય છે. 7 મહિલાઓને પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવા સામેલ થયેલા પ્રધાનો તથા જેમને કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી છે એમને આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ગુજરાતનિવાસી મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાને કેબિનેટ પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી છે. તો સુરતનાં સંસદસભ્ય દર્શના જરદોશને રાજ્યકક્ષાનાં પ્રધાન બનાવવામાં આવ્યાં છે. માંડવીયા શિપિંગ અને બંદર ખાતાના સ્વતંત્ર અખત્યાર ધરાવતા હતા જ્યારે રૂપાલા કૃષિ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન છે.
2019માં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી પ્રાપ્ત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ એમની સત્તા જાળવી રાખી હતી, પરંતુ બીજી ઈનિંગ્ઝમાં તેમણે આ પહેલી જ વખત એમના પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે. આ પહેલાં એમની સરકારમાં 58 સાથીઓ હતા, પરંતુ કેટલાક સ્થાન ખાલી પડતાં એ ભરવાની જરૂર ઊભી થઈ છે. મોદીએ 12 પ્રધાનોને પાણીચું આપ્યું છે અને સાત જુનિયર પ્રધાનોને કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે બઢતી આપી છે. રાજ્યકક્ષાના નાણાંપ્રધાન અનુરાગસિંહ ઠાકુરને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે.
કેબિનેટ કક્ષાના પ્રધાનો તરીકે શપથ લેનાર છેઃ નારાયણ રાણે, સર્બાનંદ સોનોવાલ, ડો. વિરેન્દર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદ્ર પ્રસાદસિંહ, હરદીપસિંહ પુરી, કિરન રિજીજુ, રાજકુમાર સિંહ, અનુપ્રિયાસિંહ પટેલ, મનસુખ માંડવીયા, અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, પરસોત્તમ રૂપાલા, પશુપતિ કુમાર પારસ, જી. કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુર.
રાજ્ય પ્રધાનો તરીકે શપથ લેનાર છેઃ પંકજ ચૌધરી, દર્શના જરદોશ, મિનાક્ષી લેખી, નિશિથ પ્રામાણિક, રાજીવ ચંદ્રશેખર, શોભા કરાંડલાજે, ભાનુપ્રતાપસિંહ વર્મા, રાજકુમાર રંજન સિંહ, ડો. ભારતી પવાર, ડો. સત્યપાલ સિંહ બઘેલ, મનપ્રતાપ સિંહ વેના, અન્નપૂર્ણા દેવી, એ. નારાયણસ્વામી, કૌશલ કિશોર, અજય ભટ્ટ, બી.એલ. વર્મા, અજય કુમાર, દેવસિંહ ચૌહાણ, ભગવંત ખુબા, કપિલ પાટીલ, પ્રતિમા ભૌમિક, ડો. સુભાષ સરકાર, ડો. ભાગવત કરાડ, બિશ્વેશ્વર તુડુ, શાંતનૂ ઠાકુર, ડો. મહેન્દ્રભાર, જોન બાર્લા, ડો. એલ. મુરુગન.
નિશિથ પ્રામાણિક સૌથી યુવાન વયના પ્રધાન બન્યા છે. એ 35 વર્ષના છે.
