PMએ DUના શતાબ્દી સમારોહમાં સામેલ થવા મેટ્રોની મજા માણી

નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટી (DU) 30 જૂન, 2023એ 100 વર્ષ પૂરાં થવા પર શતાબ્દી સમારોહની ઊજવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં સામેલ થવા માટે મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. તેમણે મેટ્રોમાં યાત્રા કરી રહેલા કેટલાય લોકો સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને ટ્વીટ કરીને એની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે DU કાર્યક્રમના રસ્તામાં યુવાઓને સહ-પ્રવાસીઓ સાથે વાતચીત કરવાની મજા આવી.

DUના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 100 વર્ષ પૂરાં થતાં શણગારવામાં આવ્યું હતું. એમાં ઠેર-ઠેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ શતાબ્દી સમારોહ માટે ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું હતું.

આ શતાબ્દી સમારોહના કાર્યક્રમમાં વડા પ્રધાન DUના કોમ્પ્યુટર સેન્ટર અને ટેક્નોલોજી સેન્ટરના ભવન અને યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં બનનારા એકેડેમિક બ્લોકની આધારશિલા મૂકશે. દિલ્હી યુનિવર્સિટીની સ્થાપના એક મે, 1922માં થઈ હતી. છેલ્લાં 100 વર્ષોમાં યુનિવર્સિટીનો ઘણો વિકાસ અને વિસ્તાર થયો છે અને એમાં 86 વિભાગ, 90 કોલેજમાં છ લાખથી વધુ વિદ્યાર્થીઓ છે.

વડા પ્રધાનનું DUમાં સરસ્વતી વંદના સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને અને પ્રોફેસરોને સંબોધિત કરશે. દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર- પ્રોફેસર યોગેશ સિંહે વડા પ્રધાન મોદીને આવકારવા માટે એક ખાસ કવિતા વાંચી હતી. તેમણે કહ્યું કે આવા વડા પ્રધાન ક્યાં મળે છે…’. તેમણે વડા પ્રધાન મોદીને અદભુત રીતે અસરકારક, મહેનતુ અને દેશભક્ત પણ હોવાનું જણાવ્યું હતું. તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું પણ સ્વાગત કર્યું હતું.