નવી દિલ્હીઃ દેશમાં ફ્યુઅલની કિંમતોમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા નવ દિવસોમાં ફ્યુઅલની કિંમતોમાં આઠ વાર વધારો કરવામાં આવ્યો છે. આમ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સળંગ આઠ દિવસમાં પ્રતિ લિટર આશરે રૂ. 5.60નો વધારો થયો છે.
આ ભાવવવધારાને પગલે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 101.01એ પહોંચી છે, જ્યારે ડીઝલની કિંમત લિટરદીઠ રૂ. 92.27એ પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લિટર 84 પૈસા વધીને રૂ. 115.88 અને ડીઝલની કિંમત લિટરદીઠ 85 પૈસા વધીને રૂ. 100.10એ પહોંચ્યું છે.
આ સાથે ચેન્નઈમાં પેટ્રોલ પ્રતિ લિટર 75 પૈસા વધીને રૂ. 106.69 અને ડીઝલ 76 પૈસા વધીને રૂ. 96.76એ પહોંચ્યું હતું, જ્યારે કોલકાતામાં પેટ્રોલ 84 પૈસા વધીને લિટરદીઠ રૂ. 110.52 અને ડીઝલ 80 પૈસા વધીને રૂ. 95.42 થયું છે. ગયા વર્ષે ચોથી નવેબર પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવવધારા પર બ્રેક લાગી હતી, પણ રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક ઓઇલ બજારમાં ક્રૂડની કિંમતોમાં સતત વધતા સ્થાનિકમાં 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.
આ ભાવવધારા સામે કોંગ્રેસે બાંયો ચઢાવી છે અને રાષ્ટ્રવ્યાપી ‘મોંઘવારીમુક્ત ભારત અભિયાન’ 31 માર્ચથી સાત એપ્રિલ સુધી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે અનેક રાજ્યોની સરકારોએ લોકોને આ ભાવવધારા સામે રાહત આપવા માટે વેટમાં ઘટાડો કર્યો હતો.