નવી દિલ્હીઃ શનિવારે સતત 21મા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 25 પૈસા અને 21 પૈસા મોંઘું થયું છે. પાછલા 21 દિવસોમાં ડીઝલ રૂપિયા 11 રૂપિયા અને પેટ્રોલ 9.12 રૂપિયા મોંઘું થયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 80.38 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.40 રૂપિયાએ પહોંચી છે. પાછલા ત્રણ દિવસોથી દિલ્હીમાં ડીઝલની કિંમત પેટ્રોલથી વધુ છે.
માત્ર દિલ્હીમાં પેટ્રોલથી મોંઘું ડીઝલ
દેશમાં આવું પહેલી વાર થયું છે કે ડીઝલની કિંમત પેટ્રોલથી વધુ છે. જોકે દેશના અન્ય ભાગોમાં ડીઝલની કિંમત પેટ્રોલથી વધુ નથી. દિલ્હીમાં ડીઝલની વધતી કિંમતનું મુખ્ય કારણ વેટ છે. દિલ્હી સરકારે લોકડાઉન દરમ્યાન ડીઝલ પર વેટના દર વધારી દીધા છે. કેન્દ્ર સરકારે પણ મેના પહેલા સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ભારે વધારો કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટરે એક્સાઇઝ ડ્યુટી અનુક્રમે 10 રૂપિયા અને 13 રૂપિયાનો વધારો કર્યો હતો. જેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત ભડકે બળે છે.
અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 21 પૈસાનો વધારો
સતત 21મા દિવસે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 24 પૈસા વધીને 77.82 રૂપિયા અને ડીઝલની કિંમત 21 પૈસા વધીને પ્રતિ લિટરે 77.68 રૂપિયા થયો છે.
શહેર | પેટ્રોલ (પ્રતિ લિટર) | ડીઝલ (પ્રતિ લિટર) |
દિલ્હી | 80.38 રૂપિયા | 80.40 રૂપિયા |
મુંબઈ | 87.14 રૂપિયા | 78.71 રૂપિયા |
લખનૌ | 80.94 રૂપિયા | 72.37 રૂપિયા |
પટના | 83.27 રૂપિયા | 77.30 રૂપિયા |
કોલકાતા | 82.05 રૂપિયા | 75.42 રૂપિયા |
નોએડા | 81.04 રૂપિયા | 72.48 રૂપિયા |
અમદાવાદ | 77.82 રૂપિયા | 77.68 રૂપિયા |
સરકારના ખાલી ખજાનાને લીધે પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો
દેશમાં કોરોના પ્રકોપને જોતાં આશરે અઢી મહિના સુધી લોકડાઉન લાગુ થયું હતું. આ કારણે સરકારનો ખજાનો ખાલી થઈ ગયો છે. ત્યાર બાદ સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ એકમાત્ર આવકનો સ્રોત હતો, જ્યાંથી સરકાર મોટી આવક પ્રાપ્ત કરી શકે છે. GST અને સીધા કરવેરાની વસૂલાતમાં કોરોના લોકડાઉનને પગલે ભારે ઘટાડો નોંધાયો છે. એપ્રિલમાં સેન્ટ્રલ GSTની વસૂલાત 6000 રૂપિયાની થઈ હતી, જ્યારે એક વર્ષ પહેલાં આ સમયગાળામાં CGST વસૂલાત 47.000 કરોડ થઈ હતી. એને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
ક્રૂડની કિંમતોમાં સતત ઘટાડો
જોકે કોરોના કાળમાં ક્રૂડની કિંમતોમાં સતત ઘટાડો થયો છે. ક્રૂડની કિંમતોમાં સતત ઘટાડા છતાં સરકારે ટેક્સીસ વધારીને પેટ્રોલ અને ડીઝલની કિંમતામાં વધારો કરી રહી છે. જોકે એનાથી પેટ્રોલિયમ કંપનીઓને નફો તો ના થયો, પરંતુ સરકારની આવકમાં ખાસ્સોએવો વધારો થયો.
પાછલાં પાંચ વર્ષમાં સરકારે પેટ્રોલિયમ પદાર્થો પર એક્સાઇઝ ડ્યુટી રૂપે 2.23 લાખ કરોડની આવક મેળવી છે. જોકે આ પહેલાં પેટ્રોલિયમ પદાર્થોની સરકારની આવક અડધી હતી.