નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન કંપનીઓને બધી સ્થાનિક ઉડાનોમાં ગરમ ભોજન પીરસવાની મંજૂરી આપી દીધી છે. કોરોના રોગચાળાને કારણે 15 એપ્રિલથી એરલાઇનોને બે કલાકથી ઓછા સમયવાળી ઉડાનોમાં ભોજન પીરસવાની મંજૂરી નહોતી આપી. જોકે હવે ઘરેલુ ક્ષેત્રોમાં યાત્રા સેવા કરાવતી એરલાઇન સફર દરમ્યાન પેસેન્જર્સને ખાદ્ય સામગ્રી પીરસી શકે છે. એના માટે સમયમર્યાદા નથી, એમ મંત્રાલયે આદેશમાં કહ્યું હતું. આ સાથે મંત્રાલયે સ્થાનિક ઉડાનોમાં પ્રવાસીઓ માટે મેગેઝિન્સ અને અન્ય વાચન સામગ્રી ફરીથી ઉપલબ્ધ કરાવવાની પણ મંજૂરી આપી દીધી છે. દેશમાં દૈનિક કોરોના કેસોમાં ઘટાડો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે 25 મેએ કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન પછી કેટલીક સ્થાનિક ઉડાનની સેવાઓ ફરી શરૂ કરવામાં આવી ત્યારે મંત્રાલયે કેટલીક ખાસ શરતો હેઠળ એરલાઇન્સને ફ્લાઇટમાં ભોજન પીરસવાની અનુમતિ આપી હતી. ગયા વર્ષે 18 ઓક્ટોબરે સંપૂર્ણ ક્ષમતાની સાથે વિમાનોના સંચાલનને લઈને મંજૂરી આપી હતી.
દેશમાં કોરોના રોગચાળાને કારણે ઘરેલુ હવાઈ પ્રવાસમાં ધીમે-ધીમે વૃદ્ધિ થઈ રહી છે, જે ગયા મહિને એ આશરે 88 લાખે પહોંચી છે. વળી, ઘરેલુ વિમાન યાત્રીઓની સંખ્યામાં વધારાની સાથે તહેવારોની સીઝનમાં રોગચાળા-પૂર્વના સ્તરની તુલનાએ 30થી 100 ટકાનો વધારો થયો છે, એમ ક્રેડિટ રેટિંગ એજન્સી ઇકરાએ આ મહિનાના પ્રારંભમાં કહ્યું હતું. ઘરેલુ હવાઈ પ્રવાસ ઓક્ટોબરમાં આશરે 67 ટકા વધ્યો છે.
