નવી દિલ્હીઃ હાઈવે પર લોકોને ફરવાની પરવાનગી નથી, આવું સર્વોચ્ચ અદાલતે કહ્યું છે અને હાઈવે પર રાહદારીઓની સલામતી અને રક્ષણના મુદ્દો ઉઠાવતી એક પીટિશન સાંભળવાનો ઈનકાર કરી દીધો છે. આ પીટિશન ગુજરાત હાઈકોર્ટે આપેલા એક ચુકાદાને પડકારવા માટે નોંધવામાં આવી હતી. પીટિશનને ફગાવી દેતાં ન્યાયમૂર્તિઓ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે કહ્યું કે આ મામલે ન્યાયતંત્ર કોઈ આદેશ આપી ન શકે, કારણ કે પીટિશનમાં રાહત માટે જે દાવો કરવામાં આવ્યો છે તે નીતિવિષયક બાબત છે.
આવી ફરિયાદ માટે અરજદારોએ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય પાસે જવું જોઈએ. અરજદારોના વકીલે જ્યારે મુદ્દો ઉઠાવ્યો ત્યારે ન્યાયાધીશોએ ટકોર કરી, ‘હાઈવે કંઈ રાહદારીઓ માટે નથી. શિસ્ત તો હોવી જ જોઈએ.’ દેશમાં રાહદારીઓને હાનિ કરતા રોડ અકસ્માતોની સંખ્યા ખૂબ વધી ગઈ છે એવું જ્યારે વકીલે કહ્યું ત્યારે ન્યાયાધીશોએ કહ્યું, ‘રાહદારીઓએ જ્યાં જવાનું ન હોય ત્યાં તેઓ જશે તો અકસ્માત જેવા બનાવો બનવાના જ. રાજમાર્ગો (ધોરીમાર્ગો)ની સંકલ્પના એવી છે કે એમને અલગ ગણવા જોઈએ. હાઈવે કંઈ લોકો માટે હરવા-ફરવા માટે નથી. આ શિસ્ત જળવાવી જ જોઈએ. કાલે ઉઠીને તમે કહેશો કે લોકોને હાઈવે પર ફરવા દેવા જોઈએ અને વાહનો અટકી જવા જોઈએ. એવું કઈ રીતે બની શકે? હાઈવેની સંખ્યા વધી છે, પણ એની સામે આપણી શિસ્ત વધી નથી.’