નવી દિલ્હીઃ દિલ્હીમાં એક 38 વર્ષીય વ્યક્તિનું શનિવારે એક રોડ એક્સિડન્ટમાં મોત થયું હતું. એ શખસ પહેલાં એક રેસ્ટોરાંમાં મેનજરપદે હતો, પણ કોરોના રોગચાળામાં તેની નોકરી જતી રહી હતી. તે પરિવારનું ભરણપોષણ માટે ફૂડ ડિલિવરીનું કામ કરી રહ્યું હતું. મૃતકની ઓળખ સલિલ ત્રિપાઠી તરીકે થઈ છે.
સલિલ ત્રિપાઠી ઉત્તર-પશ્ચિમ દિલ્હીના રોહિણીમાં એક ઓર્ડરની ડિલિવરી આપવા ગયો હતો, ત્યાં તેને નશામાં ધૂત ડ્રાઇવિંગ કરી રહેલા કોન્સ્ટેબલે ટક્કર મારી હતી. સલિલ પરિવારમાં કમાણી કરતો એકલો શખસ હતો. અન્ય લોકોને એની માહિતી મળી તો તેઓ એની મદદ કરવા આગળ આવ્યા હતા. સલિલની પત્નીના બેન્ક એકાઉન્ટમાં લોકો સતત પૈસા જમા કરી રહ્યા છે. પરિવાર પાસે અત્યાર સુધી રૂ. બે લાખની મદદ આવી ચૂકી છે. પરિવાર નેતાઓને મળવાનો પ્રયાસ કરી રહ્યો છે.
સલિલના કાકાએ કહ્યું હતું કે તેઓ નેતાઓની પાસે જઈ રહ્યા છે. તેમણે કેન્દ્ર, દિલ્હી સરકાર અને પોલીસને આ મામલે પત્ર લખ્યો છે. તેઓ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરવા ઇચ્છે છે. કોન્સ્ટેબલની કારે સલિલની બાઇકને ટક્કર મારી હતી. જેથી તે હવામાં ઊછળ્યો હતો અને ડિવાઇડરથી અથડાયો હતો. તેને એક રહેવાસી હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી.
કોરોના પછી સલિલે મજબૂરીમાં ઝોમેટોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ મામલે એક વિડિયો સામે આવ્યો છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ કારમાં બેઠો નજરે ચઢતો હતો.