પટનાઃ બિહાર અને ઉત્તરાખંડ રાજ્યોમાં હિંસક દેખાવો કરનાર કે જેમની સોશિયલ મિડિયા પોસ્ટ્સને કારણે સમાજમાં હિંસા ફાટી નીકળશે એવા લોકોને સરકારી નોકરી, પાસપોર્ટ, સરકારી બેન્ક લોન, સરકારી કોન્ટ્રાક્ટ, પેટ્રોલ પમ્પ્સ અને ગેસ એજન્સીના લાઈસન્સ મેળવવામાં તકલીફ પડશે, કારણ કે એવા લોકો સામે હવે બંને રાજ્યની પોલીસ સખત વલણ અપનાવવાની છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, બિહાર અને ઉત્તરાખંડમાં જે લોકો હિંસક દેખાવોમાં ભાગ લેશે તો 9 સેવાઓ માટે પોલીસ ચકાસણીમાંથી એમણે હાથ ધોઈ નાખવા પડશે. બિહારની પોલીસે એક આદેશ બહાર પાડ્યો છે અને કહ્યું છે કે રાજ્યમાં જે લોકો હિંસક દેખાવોમાં ભાગ લેશે એમને માટે સરકારી નોકરીઓ કે પાસપોર્ટ મેળવવાનું મુશ્કેલ બની જશે. એમને સરકાર તરફથી મંજૂર કરાયેલી લોન પણ આપવામાં નહીં આવે. ઉત્તરાખંડની પોલીસ એવી સોશિયલ મિડિયા પોસ્ટ્સનો રેકોર્ડ રાખશે જે એમના મતે દેશવિરોધી કે સમાજવિરોધી હશે. જે લોકો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડતા ગુનાઈત કૃત્યોમાં ભાગ લેશે એમના ચરિત્ર પ્રમાણપત્ર (કેરેક્ટર સર્ટિફિકેટ)માં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવશે.