નવી દિલ્હી – કેન્દ્ર સરકારે કરદાતાઓ માટે રિટર્ન્સ ફાઈલ કરતી વખતે એમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને એમના આધાર નંબર સાથે લિન્ક કરવા માટેની ડેડલાઈનને આવતા વર્ષની 31 માર્ચ સુધી લંબાવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) દ્વારા ગઈ કાલે મોડી રાતે બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનમાં આમ જણાવવામાં આવ્યું છે.
કરદાતાઓ હવે 2019ની 31 માર્ચ સુધીમાં PANને આધાર સાથે લિન્ક કરી શકશે. આ મુદત અગાઉ આ વર્ષની 30 જૂન સુધી હતી.
કેન્દ્ર સરકારે બેન્ક ખાતાઓ, મોબાઈલ ફોન નંબર વગેરે માટે આધાર નંબર લિન્ક કરવાનું ફરજિયાત કર્યું છે. વિવિધ સરકારી યોજનાઓનો લોકો લાભ લઈ શકે એ માટે સરકારે આધાર નંબરને લિન્ક કરવાનું ફરજિયાત કર્યું છે. એ માટે સરકારે જાહેર કરેલી 31 માર્ચ, 2018ની મુદત લંબાવવાનો કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો. એને પગલે સરકારે ડેડલાઈનને આ વર્ષની 30 જૂન સુધી એ લંબાવી હતી. હવે સીબીડીટી દ્વારા એ મુદતને આવતા વર્ષની 31 માર્ચ સુધી લંબાવી છે.