નવી દિલ્હી – દુનિયાના દેશો તરફથી કરાયેલા દબાણ અને ભારત ફરીથી હવાઈ હુમલા કરશે એના ડરથી પાકિસ્તાને તેના કબજા હેઠળના કશ્મીર (Pok)ના વિસ્તારોમાં સક્રિય ત્રાસવાદી અડ્ડાઓને બંધ કરી દીધા છે હોવાના અખબારી અહેવાલો છે.
આ ત્રાસવાદી અડ્ડા કામચલાઉ રીતે બંધ કરવામાં આવ્યા છે. તે અડ્ડા લશ્કર-એ-તૈબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન ત્રાસવાદી સંગઠનોનાં છે.
આ અહેવાલો વિશે જોકે ભારતીય લશ્કર તરફથી કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.
એક અહેવાલ મુજબ, પાકિસ્તાને Pokના કોટલી અને નિકિયાલ વિસ્તારોમાં કેટલાક ત્રાસવાદી અડ્ડા બંધ કરી દીધા છે. આ વિસ્તારો ભારતના અનુક્રમે સુંદરબની અને રાજૌરીની વિરુદ્ધ બાજુએ આવેલા છે. જૈશ-એ-મોહમ્મદ દ્વારા સંચાલિત ટેરર અડ્ડાઓને પાલા અને બાગ વિસ્તારમાં બંધ કરી દેવાયા છે. કોટલી વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનનો અડ્ડો બંધ કરી દેવાયો છે. તો મુઝફ્ફરાબાદ અને મિરપુરમાં પણ ટેરર અડ્ડાઓ બંધ કરી દેવાયા છે.
અહેવાલો અંગે પ્રત્યાઘાત આપતાં લશ્કરી વડા જનરલ બિપીન રાવતે કહ્યું કે સશસ્ત્ર દળો નિયંત્રણ રેખા પર ચાંપતી નજર રાખવાનું ચાલુ રાખશે. પાકિસ્તાને ત્રાસવાદી અડ્ડાઓને બંધ કરી દીધા છે કે નહીં એની ચકાસણી કરવાની કોઈ જરૂર નથી. અમે આપણી સરહદો પર ચાંપતી નજર રાખવાનું ચાલુ રાખીશું.
ઉલ્લેખનીય છે કે ભારતીય હવાઈ દળે પાકિસ્તાનના બાલાકોટમાં ત્રાટકીને ત્રાસવાદી અડ્ડાઓનો નાશ કર્યા બાદ Pokમાંથી ઘૂસણખોરીનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી, એમ પણ અખબારી અહેવાલમાં જણાવાયું છે.
ભારતીય લશ્કરે 2016માં સર્જિકલ હુમલા કર્યા હતા. એ હુમલા જમ્મુ-કશ્મીરના ઉરી વિસ્તારમાં ત્રાસવાદીઓએ કરેલા હુમલાનું વેર લેવા માટે કરવામાં આવ્યા હતા.
આ વર્ષના ફેબ્રુઆરીમાં જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાસવાદી હુમલો કરાયા બાદ હવાઈ દળે પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને ત્રાસવાદી અડ્ડાઓનો નાશ કર્યો હતો. પુલવામા જિલ્લામાં પાકિસ્તાનસ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠનને કરાવેલા હુમલામાં સીઆરપીએફના 40 જવાન માર્યા ગયા હતા.