નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન સીમા પારથી સતત ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાને ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને પૂંછ જિલ્લાના દિઘવાર સેક્ટરમાં એલઓસી પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાની આર્મી સરહદ પારથી સતત ફાયરિંગ કરી રહી છે અને મોર્ટાર પણ છોડી રહી છે. ભારતીય સુરક્ષા દળો પણ પાકિસ્તાનના કૃત્યનો જવાબ આપી રહ્યા છે. આ પહેલા કુપવાડાના તંગધાર સેક્ટરમાં ગત 4 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક નાગરિકનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાને કાશ્મીરમાં એલઓસીની નજીક ભારતીય સુરક્ષા ચોકીઓ અને ગામો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો અને મોર્ટાર છોડ્યા હતા.
જૈશ-એ-મહોમ્મદના ત્રણ આતંકીઓને જમ્મૂ-કાશ્મીર પોલીસે ગઈકાલે પકડ્યા હતા. ત્રણેય આતંકીઓ શ્રીનગર ગ્રેનેડ એટેક સાથે જોડાયેલા હતા. શ્રીનગર પોલીસ દ્વારા પકડાયેલા આતંકવાદીઓની ઓળખ નાવેદ ઉલ લતીફ પાદરુ, શકીલ અહમદ પાદરુ અને શમશાદ મંજૂર તરીકે થઈ હતી. પોલીસ રેકોર્ડ અનુસાર, ત્રણેયનો જૈશ સાથે સંબંધ છે અને પ્રતાપ પાર્કમાં થયેલા ગ્રેનેડ હુમલામાં જોડાયેલા હતા.