શ્રીનગરઃ શ્રીનગરમાં આતંકવાદી કામગીરી, ગુનાખોરી અને એન્ટિ સોશિયલ અને રાષ્ટ્રવિરોધી તત્ત્વોને ઝડપી પાડવા માટે વેપાર-ધંધા કરતા વેપારીઓને ઓફિસો અને દુકાનોની બહાર CCTV લગાવવા માટે જિલ્લાના ડેપ્યુટી કમિશનર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી તત્ત્વો દ્વારા ચોક્કસ વ્યક્તિઓ પર વધેલા હુમલાઓને DC દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. જેથી ટેક્નોલોજી દ્વારા હુમલા કરનાર વ્યક્તિઓની ઓળખ કરી શકાય અને તેમને પકડવાની તજવીજ કરી શકાય.
હાલમાં વહીવટી તંત્રની ઉચ્ચ સ્તરની મળેલી બેઠકમાં CCTV તત્કાળ લગાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ CCTV લગાવવાના નિર્દેશ અનેક બેન્કિંગ અને નાણાકીય કામકાજ કરતી દુકાનો, બેન્ક્સ, ATM, જ્વેલરીની દુકાનો, પેટ્રોલ પમ્પો, શોપિંગ મોલ્સ, કપડાંની દુકાનો, શો-રૂમો, નાની દુકાનો, બજારો, મંદિરો સહિત કેટલીય બેન્કિંગ અને વાણિજ્યિક સંસ્શાઓને આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 50થી વધુ લોકો જ્યાં મળતા હોય એવાં સ્થળોએ- ખાસ કરીને જ્યાં નાણાકીય કામગીરી થતી હોય એવાં સ્થળોએ CCTV લગાવવા માટે નિર્દેશ અપાયા છે.
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં આતંકવાદીઓ કે સમાજવિરોધી પ્રવૃત્તિઓ હાથ ધરતા કે રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા કાશ્મીરી પંડિતો કે ચોક્કસ વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવે, જેમાં જાનમાલનુ નુકસાન થાય છે.
જાહેર સ્થળોએ CCTV ઇન્સ્ટોલ થવાથી ગુનાહિત પ્રવૃત્તિઓ અંકુશમાં લાવી શકાય છે. આ ઉપરાંત એનાથી વેપાર, ટુરિઝમ અને સમાજને નુકસાન કરતાં તત્ત્વોને જેર કરી શકાય છે.
