નવી દિલ્હીઃ દિલ્હી, બેંગલુરુ જેવાં મોટાં શહેરોમાં આ વખતે પાણીની ખૂબ ખેંચ વર્તાઈ હતી. આ વખતે દેશમાં ઉનાળો પણ આકરો રહ્યો હતો. ક્યાંક-ક્યાંક 50 ડિગ્રી કે એની ઉપર તાપમાન પહોંચ્યું હતું. દેશમાં પીવાના સ્વચ્છ પાણીની બહુ ખેંચ છે. કેરળ અને દેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું જલદી બેઠું હતું, પરંતુ વરસાદી પાણીના સંગ્રહની કોઈ નક્કર વ્યવસ્થા ના હોવાને કારણે કરોડો લોકોને પીવાના સ્વચ્છ પાણીની ખેંચ વર્તાઈ હતી.
દેશમાં આશરે 6.3 કરોડ લોકોને સ્વચ્છ પીવાનું પાણી નથી મળી રહ્યું. આવી સ્થિતિમાં ડાયેરિયા, કોલેરા, ટાઇફોઇડ અને પાણીજન્ય બીમારીઓ ફેલાવવાનું જોખમ વધુ રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા કરાવવામાં આવેલા પહેલા નેશનલ લેવલ ટેપ વોટર સર્વેમાં 485 શહેરોમાં માત્ર 10 ટકા શહેરોમાં લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળી રહ્યું છે.
દેશમાં કેટલાય લોકોએ નળના પાણીની ગુણવત્તા વિશે ફરિયાદ કરી હતી. આ સ્રવેમાં દેશના 322થી વધુ જિલ્લાઓમાં 22,000થી વધુ ઘરોએ ભાગ લીધો હતો. આ સર્વેમાં 61 ટકા પુરુષો અને 39 ટકા મહિલાઓ હતી. આ સર્વેનાં પરિણામોમાં માલૂમ પડ્યું હતું કે દેશમાં માત્ર ચાર ટકા ઘરોને જ નળથી સીધું પીવા લાયક પાણી મળે છે. બાકીનાં ઘરોમાં પાણી સ્વચ્છ કરવા માટે અલગ-અલગ રીતો અપનાવે છે અથવા પાણી ખરીદવામાં આવે છે.
દેશમાં પીવાના સ્વચ્છ પાણી માટે 60 ટકા ઘરોમાં વિવિધ રીતો અપનાવે છે. દેશમાં 27 ટકા લોકો વોટર પ્યોરિફાયર, 33 ટકા લોકો RO, 20 ટકા લોકો પાણી ઉકાળીને અને સાત ટકા લોકો ક્લોરિન, પટકડી નાખીને પાણીને સ્વચ્છ કરે છે. જ્યારે બાકીના લોકો અલગ-અલગ નુસખા અપનાવે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે દેશમાં સ્વચ્છ પાણી બહુ જરૂરી છે, કેમ કે એનાથી પ્રતિ વર્ષ પાણીજન્ય બીમારીઓથી થનારાં આશરે ચાર લાખ લોકોનાં મોતને અટકાવી શકાય એમ છે. વિશ્વમાં આશરે 220 કરોડ લોકોને સ્વચ્છ પાણી નથી મળતું અને પ્રતિ વર્ષ 10 લાખથી વધુ લોકોનાં મોત સ્વચ્છ પાણી અને શૌચાલયની સુવિધા ના મળવાને કારણે થાય છે.