એક મહિનાની ડિજિટલ અરેસ્ટઃ મહિલાથી રૂ. 3.8 કરોડની છેતરપિંડી

મુંબઈઃ મુંબઈમાં ડિજિટલ અરેસ્ટ દ્વારા 77 વર્ષનાં વયોવૃદ્ધ મહિલા સાથે નકલી પોલીસવાળાએ રૂ. 3.8 કરોડની છેતરપિંડી કરી હતી. દક્ષિણ મુંબઈનાં મહિલાને એક મહિના સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યાં હતાં. તેમને ધમકી આપવામાં આવી હતી કે તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થઈ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાને વોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તાઇવાન મોકલેલું તેમના નામનું પાર્સલ પકડાઈ ગયું છે. આ પાર્સલમાં પાંચ પાસપોર્ટ, બેન્ક કાર્ડ, ચાર કિલો કપડાં અને નશીલી દવાઓ મળ્યાં છે. મહિલાએ કોલરને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમણે કોઈ પાર્સલ નથી મોકલ્યું. એના પર ફોન કરનારે કહ્યું હતું કે આધાર કાર્ડની ડિટેલ તેમની છે અને કોલ નકલી મુંબઈ પોલીસ અધિકારીને ટ્રાન્સફર કરી દીધો છે. મહિલાને કહેવામાં આવ્યું હતું કે તેમનું આધાર કાર્ડ મની લોન્ડરિંગ કેસથી લિન્ક છે.ત્યાર બાદ મહિલાને સ્કાય એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને તેમની સાથે જોડાયેલા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલાને ધમકાવવામાં આવી હતી કે તે આ વાત કોઈને ના જણાવે. કોલર તેનું નામ IPS આનંદ રાણા અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો અધિકારી જ્યાર્જ મેથ્યુ બતાવ્યું હતું. તેણે મહિલાને બેન્ક એકાઉન્ટ નંબર આપ્યું હતું અને બધા પૈસા માં ટ્રાન્સફર કરવા કહેવામાં આવ્યું હતું, જેથી તેઓ તપાસ કરી શકે. મહિલાને કહેવામાં આવ્યું હતું કે કોઈ ગરબડ ના મળી તો તેમના પૈસા પરત ટ્રાન્સફર કરવામાં આવશે. મહિલાને ડરાવીને 24 કલાક વિડિયો કોલ પર 24 કલાક રહેવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલા એની વાતોમાં આવી ગઈ. ઘરના કોમ્પ્યુટર પર એક મહિના સુધી વિડિયો કોલને ઓન રાખવામાં આવ્યો હતો. જ્યારે પણ કોલ કપાઈ ગયો હતો, તેઓ તરત વિડિયો કોલ ઓન કરવા માટે કહેતા અને લોકેશનની માહિતી ચેક કરતા.

આ મહિલે પૈસા ટ્રાન્સફર કરી દીધા. આરોપીઓએ એમાંથી રૂ. 15 લાખ પરત કર્યાને મહિલાને વિશ્વાસમાં લીધાં. ત્યાર મહિલાએ પુત્રીને ફોન કરીને બધી વાત કરતાં પોલીસે કેસ નોંધ્યો છે અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.