નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં આશરે એક હજાર જેટલી મહિલાઓ એન્જિન ડ્રાઈવર તરીકે સેવા બજાવી રહી છે. પરંતુ એમને શૌચાક્રિયા વખતે ખૂબ તકલીફ ભોગવવી પડતી હતી. તેથી રેલવે તંત્રએ હવે એમને માટે એન્જિનની અંદર જ શૌચાલય બનાવી આપ્યા છે.
રેલવે બોર્ડે પ્રત્યેક લોકોમોટિવમાં લોકો પાઈલટ્સ (ટ્રેન ડ્રાઈવર) માટે શૌચાલય બનાવી આપવાનું શરૂ કર્યું છે. આનાથી મહિલા ડ્રાઈવરો અને એમની મહિલા સહાયકોને ઘણી રાહત થશે. ચાલુ ટ્રેન વખતે કુદરતી હાજતે જવાનું થાય ત્યારે એવી પરિસ્થિતિનો સામનો કરવા માટે એમને હાલ સેનિટરી પેડ્સનો સહારો લેવો પડતો હોય છે. આ વિશેની ફરિયાદ મળ્યા બાદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે 2016માં રેલવે બોર્ડને આદેશ આપ્યો હતો કે તમામ લોકોમોટિવ્સમાં ખાસ મહિલા ડ્રાઈવરોને માટે શૌચાલય અને એરકન્ડિશનર ઈન્સ્ટોલ કરવામાં આવે. રેલવે બોર્ડે તમામ એન્જિનમાં શૌચાલય મૂકવાની સહમતિ દર્શાવી હતી. રેલવે બોર્ડે છેલ્લા છ વર્ષમાં 97 લોકોમોટિવ્સમાં શૌચાલય અને 2672 લોકોઝમાં એરકન્ડિશનર ઈન્સ્ટોલ કરાવ્યા છે.