શ્રીનગર- વર્ષ 2010થી અત્યાર સુધીમાં કશ્મીર અને ચિનાબ ઘાટીના 354 ગામમાંથી 476થી વધુ યુવાનો આતંકી બન્યા છે. જેમાંથી 335 યુવનો તો ફક્ત દક્ષિણ કશ્મીરના 247 ગામમાંથી નીકળ્યા છે. આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનો કમાંડર બુરહાન વાણી 8 જુલાઈ 2016ના રોજ સેના દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા બાદ આતંકીઓની ભરતી પ્રક્રિયા વધુ ઝડપી બની છે. મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓએ આતંકીઓના ભૌગોલિક વિસ્તાર અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે.રિપોર્ટમાં કશ્મીરની 29 વિભાગમાં વહેંચણી કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું કે, જમ્મૂની ચિનાબ ઘાટીના ડોડા, કિશ્તવાડ, રિયાસી અને રામબન ઉપરાંત કશ્મીરના દરેક જિલ્લમાંથી સ્થાનિક યુવાનોની આતંકી સંગઠનમાં ભરતી કરવામાં આવી છે.
આ યાદીમાં સૌથી ટોચ પર દક્ષિણ કશ્મીરનો શોપિયાં જિલ્લો આવે છે. જેમાં વર્ષ 2010થી અત્યાર સુધીમાં 70 ગામમાંથી 95 સ્થાનિક યુવાનો આતંકવાદી બન્યા છે. સૌથી વધુ યાત યુવાનો આતંકી શોપિયાં જિલ્લાના હેફ જનપોરા ગામમાંથી નીકળ્યા છે. આ જ રીતે જિલ્લાના ત્રણ અન્ય ગામમાંથી ત્રણ-ત્રણ આતંકી અને ચાર ગામમાંથી બે-બે યુવાનો આતંકી બન્યા છે.
મળતી માહિતી મુજબ રાજ્યના કુલગામ જિલ્લાના 49 ગામમાંથી 64 યુવાનો આતંકી બન્યા છે. અવંતીપુરાના 41 ગામોમાંથી 54 યુવાનો આતંકવાદના ચક્રવ્યુહમાં ફસાયા છે. એ જ રીતે અનંતનાગના 27 ગામોમાંથી 34 યુવાન આતંકવાદીઓ, બારમુલ્લાના 28 ગામોમાંથી 33 આતંકી, બાંદીપુરાના 13 ગામમાંથી 17 આતંકી, સોપોરના 18 ગામોમાંથી 29 ત્રાસવાદીઓ, કુપવાડાના પાંચ ગામોમાંથી પાંચ આતંકીઓ અને હંદવાડાના ચાર ગામમાંથી એક-એક યુવાન આતંકી બનીને ઉભરી આવ્યા છે.