કશ્મીર સરહદે પાકિસ્તાનના ગોળીબારમાં બીએસએફના 4 જવાન શહીદ

જમ્મુ – એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ભારતીય સીમા સુરક્ષા દળના ચાર જવાન આજે વહેલી સવારે જમ્મુ અને કશ્મીરના સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સના જવાનોએ યુદ્ધવિરામનો ભંગ કરીને કરેલા ગોળીબારમાં શહીદ થયા છે જ્યારે અન્ય ત્રણ જવાન ઘાયલ થયા છે.

રામગઢ સેક્ટરમાં બાબા ચમલીયાલ ચોકીને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાન રેન્જર્સે કોઈ પણ ઉશ્કેરણી થયા વગર કરેલા બોમ્બમારા અને ગોળીબારમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ જતિન્દર સિંહ, સબ-ઈન્સ્પેક્ટર રજનીશ કુમાર, આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર રામનિવાસ અને કોન્સ્ટેબલ હંસ રાજનું મૃત્યુ થયું છે, એમ બોર્ડર સિક્યુરિટી ફોર્સના સૂત્રોએ જણાવ્યું છે.

ઈજાગ્રસ્ત જવાનોને જમ્મુ શહેરમાં સતવારી વિસ્તારની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રામગઢ સેક્ટરમાં બાબા ચમલીયાલ દરગાહ ખાતે વાર્ષિક ઉર્સ (મહોત્સવ)ના અમુક જ દિવસો બાકી છે ત્યારે પાકિસ્તાન લશ્કર દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે.