નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસના ઓમિક્રોન પ્રકારના ચેપના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી કેન્દ્ર સરકાર ચિંતિત થઈ છે અને તેણે રાજ્ય સરકારોને કહ્યું છે કે તેઓ રોગચાળાને અંકુશમાં રાખવા માટે પોતપોતાની રીતે યુદ્ધના ધોરણે તૈયારી માટે સજ્જ થઈ જાય અને નાઈટ લોકડાઉન લાગુ કરવા વિશે વિચારે. ગઈ કાલે જમ્મુ અને કશ્મીર તથા ઓડિશામાં પણ ઓમિક્રોન વેરિઅન્ટના કિસ્સા પહેલી જ વાર નોંધાયા હતા. કોરોનાનો આ નવો સ્ટ્રેન દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયો છે અને કુલ કેસનો આંકડો 200ને પાર ગયો છે અને 220 કેસ નોંધાયા છે. પહેલો કેસ (કર્ણાટકમાં) નોંધાયાના 19 જ દિવસોમાં ઓમિક્રોનના કેસ 220 પર પહોંચી ગયા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટ્રેડોસ ઘેબ્રીસસે પણ ગઈ કાલે ઓમિક્રોનના ફેલાવા સામે ચેતવણી ઉચ્ચારી હતી કે જાન જાય એના કરતાં કાર્યક્રમ જતો કરવો વધારે સારો. અત્યારે ઉજવણી કરો અને બાદમાં દુઃખી થાવ એના કરતાં હાલ ઉજવણી રદ કરો અને બાદમાં કરો તે જ વધારે સારું કહેવાશે.