નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યા બાદ નજરબંધ રહેલા રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી જલ્દી જેલ મુક્ત થાય તેવી કોઈ શક્યતા નથી. આ બન્ને નેતાઓ પર હવે પબ્લિક સેફ્ટી એક્ટ એટલે કે નાગરિક સુરક્ષા કાયદો લગાવી દેવામાં આવ્યો છે. પીએસએ અંતર્ગત કોઈપણને ત્રણ મહિના સુધી સુનાવણી વગર જેલમાં રાખી શકાય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે બન્ને નેતાઓના ડિટેન્શન વોટરન્ટ્સ પર સહી કરી દીધી છે. આ પહેલા ઉમર અબ્દુલ્લાના પિતા ફારુક અબ્દુલ્લાને પણ સપ્ટેમ્બરમાં પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. 5 ઓગસ્ટના રોજ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. આ દરમિયાન જમ્મૂ-કાશ્મીરના ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. સરકારે છેલ્લા કેટલાક સમયમાં કેટલાક નેતાઓને મુક્ત પણ કર્યા છે, પરંતુ મોટાભાગના હજી નજર કેદમાં છે અથવા તો જેલમાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસની ઉપસ્થિતિમાં મેજિસ્ટ્રેટે તે બંગ્લામાં જઈને મહેબૂબાને આદેશ આપ્યો કે જ્યાં તેમને નજરબંધ રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ઉમર અબ્દુલ્લા વિરુદ્ધ પણ પીએસએ અંતર્ગત કેસ કરવામાં આવ્યો છે. નેશનલ કોન્ફરન્સના મહાસચિવ અને પૂર્વ મંત્રી મહોમ્મદ સાગરને પ્રશાસને પીએસએ નોટિસ આપી છે. શહેરના વ્યાપારી વિસ્તારમાં સાગરનો મજબૂત આધાર માનવામાં આવે છે. આ જ પ્રકારે પીડીપીના નેતા સરતાજ મદની વિરુદ્ધ પીએસએ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. મદની મહેબૂબા મુફ્તિના મામા છે. સાગર અને મદની બંન્નેને કેન્દ્ર સરકાર દ્વારા પાંચ ઓગસ્ટ બાદ રાજ્યના નેતાઓ પર કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત નજરબંધ કરવામાં આવ્યા હતા.
પાંચ ઓગસ્ટના રોજ કેન્દ્રએ જમ્મૂ-કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાની સાથે જ આને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધા હતા. આ લોકોની છ મહિના સુધીની કસ્ટડી પૂરી થઈ રહી હતી. આ પહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, નેશનલ કોન્ફરન્સના પૂર્વ ધારાસભ્ય બશીર અહમદ વીરી વિરુદ્ધ પણ પીએસએ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ બાદમાં ખ્યાલ આવ્યો કે તેમને પણ મુક્ત કરી દેવામાં આવ્યા છે.