સુપૌલઃ દેશમાં નાનાં બાળકોમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. નાની વયે બાળકો હિંસા કરતા થયા છે, એમાં ક્યાંક મોબાઇલનું દૂષણ તો જવાબદાર નથી? બિહારના સુપૌલ જિલ્લામાં ત્રિવેણીગંજના લાલપટ્ટી સ્થિત સેન્ટ ઝોન બોર્ડિંગ સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના બની છે. નર્સરી ક્લાસમાં શિક્ષણ લઈ રહેલા પાંચ વર્ષનો વિદ્યાર્થી બેગમાં બંદૂક લઈને સ્કૂલમાં પહોંચ્યો હતો.
આ નર્સરીના વિદ્યાર્થીએ સ્કૂલમાં પ્રાર્થના પહેલાં ત્રીજા ધોરણના 10 વર્ષના વિદ્યાર્થી આસિફને ગોળી મારી દીધી હતી. એ ગોળી આસિફના ડાબા હાથમાં લાગી, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આસિફને તત્કાળ ત્રિવેણીગંજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં તેની સારવાર ચાલી રહી છે અને હવે તે જોખમથી બહાર છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. સ્કૂલ વહીવટી તંત્રથી પણ સવાલ કરવામાં આવી રહ્યા છે કે આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ? આ ઘટનાથી ગુસ્સે થયેલા પરિવારજનોએ લાલપટ્ટી ગામ સ્થિત NH 327 પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોલીસથી જલદીમાં જલદી આરોપીની ધરપકડ કરવાની માગ કરી હતી. ટ્રાફિક જામ હટાવવા માટે પોલીસે ઘણી મહેનત કરવી પડી હતી. પોલીસ વિભાગના મોટા અધિકારીઓએ કોઈ પણ પ્રકારે પરિવારના સભ્યોને સમજાવીને ટ્રાફિક જામ દૂર કર્યો હતો. હવે સેન્ટ જોન બોર્ડિંગ સ્કૂલમાં પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યું હતું. જોકે વહીવટી તંત્રની સૂઝબૂઝને કારણે સેંકડો બાળકોને સ્કૂલથી બહાર કાઢવામાં આવ્યા હતા.