નવી દિલ્હીઃ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ આજે જણાવ્યું છે કે બ્રિટિશ સરકારની નવી પ્રવાસ નીતિમાં કોવિશીલ્ડ રસી સાથે કરાયેલો ભેદભાવ અમને સ્વીકાર્ય નથી, કારણ કે આ નીતિ કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લઈને આવનાર ભારતીયોને પણ ક્વોરન્ટિન અવસ્થામાં રહેવાની ફરજ પાડે છે.
બ્રિટનની નવી પ્રવાસ નીતિને કારણે ભારતીયોમાં વ્યાપેલા રોષને પગલે શ્રુંગલાએ આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બ્રિટિશ સરકારની આ ભેદભાવપૂર્ણ નીતિ છે અને તેને કારણે બ્રિટન જતા આપણા નાગરિકોને માઠી અસર થાય એમ છે. વિદેશ મંત્રાલયે આ વિશે નવા બ્રિટિશ વિદેશ સચિવ સમક્ષ કડક રીતે વાંધો પ્રદર્શિત કર્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે અમુક ખાતરી આપવામાં આવી છે કે આ વિવાદનો ઉકેલ લાવવામાં આવશે.
