જાવડેકરે કેજરીવાલને આતંકવાદી ગણાવ્યાઃ ‘આપે’ ધરપકડની આપી ચેલેન્જ

નવી દિલ્હીઃ ભાજપના સંસદસભ્ય પ્રવેશ વર્મા પછી કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા, જે પછી ગુસ્સે ભરાયેલી આમ આદમી પાર્ટીએ ભાજપને ચેલેન્જ આપતાં કહ્યું હતું કે તેઓ જો આતંકવાદી છે તો તેમની ધરપકડ કરીને બતાવો.જાવડેકરે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે કેજરીવાલે એક વાર ખુદને અરાજકતાવાદી ગણાવ્યા હતા અને અરાજકતાવાદી અને આતંકવાદીમાં બહુ ફરક નથી હોતો. કેજરીવાલને આતંકવાદી કહેવા બદલ ચૂંટણી પંચે કારણ બતાવો નોટિસ જાહેર કરી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદારોને નવી સરકાર આઠ ફેબ્રુઆરીએ ચૂંટવા આડે થોડા દિવસ રહ્યા છે ત્યારે ભાજપના ટોચના નેતાએ તેમના સાથી પ્રવેશ શર્મા સાથે સૂર પુરાવતાં કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીવાસીઓ જેમની પડખે હતા, તેઓ તેમની વિરુદ્ધમાં  થઈ ગયા છે.


બીજી બાજુ જાવડેકરે  પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કેજરીવાલ મોગામાં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ કમાન્ડર ગુરિન્દર સિંહના નિવાસસ્થાને રોકાવવાને મામલે મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે શું તમે (કેજરીવાલ) જાણો છો તે આતંકવાદી રહેઠાણ છે, તેમ છતાં તમે ત્યાં રોકાયા હતા. તમારે કેટલી સાબિતીઓ જોઈએ છે?
જોકે કેજરીવાલ હવે દિલ્હીવાસીઓ સમક્ષ નિર્દોષતાથી સવાલ કરી રહ્યા છે કે શું તેઓ આતંકવાદી છે? આ ઉપરાંત આમઆદમી પાર્ટીના સંજય સિંહે ભાજપને પડકાર ફેકતાં કહ્યું છે કે જો તમારામાં તાકાત હોય તો કેજરીવાલની ધરપકડ કરી બતાવો?  તેમણે કહ્યું હતું કે આ બાબત દેશની રાજધાની દિલ્હીમાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચની હાજરી હોવા છતાં બની છે.