રાજધાનીને મહેકતી રાખતો આ મુગલ ગાર્ડન એકવાર તો જોવા જેવો જ…

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ પડે એટલે દરેકના શ્વાસમાં એ ગાર્ડનમાં રહેલા અધધ ગુલાબના ફૂલોની મહેક ચોક્કસ મહેકી ઉઠે. આમ પણ આ ગાર્ડન વર્ષમાં માત્ર એક જ મહિનો મુલાકાતીઓ માટે ખુલતો હોવાથી તેનું વિશેષ આકર્ષણ રહે છે.

મુલાકાતીઓ માટે 5 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી આ ગાર્ડન ખુલ્લુ મુકવામાં આવશે. ગાર્ડનની મુલાકાત માટે કોઈ ફી નથી. સોમવાર સિવાય મંગળવારથી રવિવાર સુધી આ ગાર્ડનની મુલાકાત લઈ શકાય છે. સમય છે સવારે 9.30 થી સાંજે 4 સુધી. નવી દિલ્હીમાં નોર્થ એવેન્યૂ નજીક રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર-35માંથી મુગલ ગાર્ડન માટેની એન્ટ્રી છે.

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગબેરંગી ફૂલોની મહેક સાથે સહેલાણીઓના સ્વાગત માટે તૈયાર છે. 15 એકરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં આ વખતે 10 હજારથી વધુ ટ્યૂલીપ ફૂલો, 138 પ્રકારનાં ગુલાબનાં ફૂલ ઉપરાંત જૂદા જૂદા 70 પ્રકારના 5 હજારથી વધુ મોસમી ફૂલો સાથે પાણીનાં ફૂવારા-ઝરણાં જોવાની મજા લેવા જેવી છે.

ગાર્ડનના ઈતિહાસ પર એક નજર કરીએ તો કશ્મીરના મુગલ ગાર્ડન ને તાજમહેલની આસપાસના બગીચા પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવેલો મુગલ ગાર્ડન રાષ્ટ્રપતિ ભવનની શાન ગણાય છે. જૂની નોંધો પ્રમાણે આ ગાર્ડનની ડિઝાઈન્સ તો 1917માં તૈયાર થઈ ગઈ હતી, પણ છેક 1928-29માં વાવેતર શરૂ થયું હતું. ગાર્ડનની ડિઝાઈન બનાવનાર સર એડવિન લ્યુટ્યન્સે આ ગાર્ડનની શૈલીમાં અંગ્રેજ અને મુઘલ શૈલીનું મિશ્રણ કર્યું હતું. ગાર્ડનની અનેક વિશેષતાઓમાંથી એક અધધધ વેરાયટીના ગુલાબો છે. અહીં 159 જાતિના ગુલાબ ખીલે છે.

દૂર્લભ અને આકર્ષક ગુલાબો માટે જગપ્રસિદ્ધ આ ઉદ્યાનમાં આ વખતે ગ્રેસ ધ મોનાકો નામનું ગુલાબ ખાસ પ્રકારે લોકોને આકર્ષિત કરશે. આ ગુલાબના છોડને ગયા વર્ષે મોનાકોના રાજા એલ્બર્ટ દ્વિતીયએ અહીં રોપ્યું હતું. આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી. મધર ટેરેસા, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જોન કેનેડી, મહારાણી એલિઝાબેથ અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામના ગુલાબ પણ તમે જોતા રહી જશે.

ગુલાબ ઉપરાંત ચાના કપના આકાર ધરાવતા ટ્યૂલીપ ઈ ગાર્ડનની આગવી ઓળખ છે. ખાસકરીને જમ્મુ ગુલાબી ટ્યૂલીપ તેના આકર્ષક લૂકને કારણે દૂરથી ઓળખાઈ જાય છે. એ જ રીતે નાર્સિસસ, ડહેલિયા, સ્પેરાક્સિસ તેમજ એશિયાટિક લિલી જેવા જૂદા જૂદા પ્રકારના ફૂલોથી આ ગાર્ડન શોભી ઉઠે છે.

મુગલ ગાર્ડનમાં લાગેલા 138 પ્રકારના ગુલાબ અહીના રાજા છે. રોઝ ગાર્ડનમાં રંગબેરંગી ગુલાબને જોઈને તમારા મોં પર એક જ શબ્દ હશે વાહ!  લાલથી લઈને પીળા, સફેદ, લીલા, વાદળી સહિત તમામ રંગોના ગુલાબ અહીં જોવા મળશે, જેની સુંગધથી આખો ગાર્ડન મહેકી ઉઠે છે.

ગાર્ડનમાં ફોટોગ્રાફી માટે સ્માર્ટ મોબાઈલ ફોન લઈ જવાની પરવાનગી છે. ઉપરાંત પીવાનાં પાણીની બોટલ અને નાનકડું પર્સ પણ લઈ જઈ શકાય. પરંતુ, કેમેરા, બેગ કે કોઈ પણ પ્રકારનું હથિયાર લઈ જવાની પરવાનગી નથી.

મુગલ ગાર્ડન (રાષ્ટ્રપતિ ભવન)ની સૌથી નજીકનું મેટ્રો સ્ટેશન છે સેન્ટ્રલ સેક્રેટરિએટ. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને પાલમ એરપોર્ટથી રાષ્ટ્રપતિ ભવન 11.2 કિ.મી. દૂર આવેલું છે. તો નવી દિલ્હી રેલવે સ્ટેશનથી 6 કિ.મી., જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી 10.2 કિ.મી., નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી 7.5 કિ.મી., આનંદ વિહાર રેલવે સ્ટેશનથી 17.1 કિ.મી. દૂર આવેલું છે.

ગયા વર્ષથી પહેલી જ વાર મુગલ ગાર્ડન જોવા માટે એડવાન્સ બુકિંગ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. એ માટે રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટની નીચેની લિન્ક પર ક્લિક કરો. https://rb.nic.in/rbvisit/rbvisit_mughal.aspx