સંભલ હિંસામાં એક પણ દોષી નહીં બચેઃ CM યોગી

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે સંભલ હિંસા પર CM યોગી આદિત્યનાથે વિરોધીઓને આડે હાથ લીધા હતા. સંભલમાં માહોલ ખરાબ કરવામાં આવ્યો છે. સંભલમાં રમખાણોનો ઇતિહાસ 1947થી છે. 1948, 1958, 1962 અને 1978માં રમખાણો થયાં હતાં. 1978માં હિન્દુઓને રમખાણોમાં જીવતા સળગાવવામાં આવ્યા હતા. વિપક્ષ આ સત્યનો સ્વીકાર નહીં કરે.

ત્યાર બાદ 1980. 1986, 1990, 1992 અને 1996માં રમખાણો થયાં હતાં. જેણે પણ પથ્થરબાજી કરી એ નહીં બચે. વળી, વિના સાક્ષીઓ કોઈની પણ ધરપકડ નથી થઈ રહી, એવો દાવો તેમણે કર્યો હતો.સંભલના શેખ અને પઠાણ કહી રહ્યા છે કે તેઓ ક્યારેક હિન્દુ હતા. બાબરનામા કહે છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. વિષ્ણુનો દસમો અવતાર સંભલમાં જન્મ લેશે. આ તો માત્ર સર્વેની વાત હતી. સર્વે 19 અને 21 નવેમ્બરે પણ થયો હતો. 23 નવેમ્બરે જુમ્માની નમાજ દરમ્યાન જે ભાષણો થયાં હતાં, એનાથી માહોલ ખરાબ થયો હતો.

બાબરનામા જરૂર વાંચવું જોઈએ. મોહરમનું જુલૂસ કે કોઈ પણ મુસ્લિમ સમાજનું જુલૂસ હિન્દુ વિસ્તારમાંથી શાંતિથી નીકળે છે, પણ જ્યારે હિન્દુઓનું કોઈ જુલૂસ કોઈ મસ્જિદ પાસેથી નીકળે છે તો રમખાણો કેમ થઈ જાય છે. બહરાઇચમાં તોફાનો રસ્તા પર નહોતા થતા, ગોળી ઘરની અંદરથી ચલાવવામાં આવી હતી. પોલીસ ઘરમાં ઘૂસે છે તો આરોપ અલગ લગાવવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.

NCRBના ડેટા દર્શાવે છે 2017થી અત્યાર સુધી UPમાં કોમી રમખાણોમાં 95 ટકા ઘટાડો થયો છે. UPમાં 2017થી અત્યાર સુધી રમખાણો નથી થયાં. SPના શાસનમાં 192 લોકોનાં મોત રમખાણોમાં થયાં હતાં, એમ તેમણે કહ્યું હતું.