મુંબઈઃ ‘સત્યમેવ જયતે’, ‘સ્ત્રી’, ‘ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ જેવી બોલીવુડ ફિલ્મોની અભિનેત્રી નોરા ફતેહી જન્મે કેનેડિયન છે, પણ મૂળ આરબ-મોરોક્કો પરિવારની છે. તેના માતૃભૂમિ દેશમાં ગયા શુક્રવારે રાતે 6.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો. હાલ G20 શિખર સંમેલનનું યજમાનપદ ભારત પાસે છે અને નવી દિલ્હીમાં 18મા શિખર સંમેલનનું આયોજન ચાલુ છે. ગઈ કાલે બેઠક દરમિયાન ભૂકંપના કમનસીબ સમાચાર આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરોક્કો માટે ભારત તરફથી તમામ શક્ય સહાયતા કરવાની જાહેરાત કરી હતી. નોરા ફતેહીએ આ જાહેરાત બદલ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો છે.
પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું હતું: ‘મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિના સમાચાર અત્યંત પીડાકારક છે. આ કમનસીબ સમયમાં, મોરોક્કોનાં લોકો પ્રતિ હું મારી સંવેદના વ્યક્ત કરું છું. જાન ગુમાવનાર લોકોનાં સ્વજનોને મારી દિલસોજી છે. ઈજાગ્રસ્તો જલદી સાજાં થઈ જાય એવી પ્રાર્થના. આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ શક્ય મદદ કરવા ભારત તૈયાર છે.’
નોરા ફતેહીએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના ટ્વીટને શેર કર્યું છે અને લખ્યું છે: ‘આ મોટી મદદ માટે આભાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી. જાગૃતિ જગાડનાર અને મદદનો હાથ લંબાવનાર દેશોમાંના તમે એક છો. મોરોક્કોનાં લોકો ખૂબ આભારી અને કૃતજ્ઞ છે. જય હિંદ.’