નવી દિલ્હી- મંગળવારે સીબીઆઈ વિવાદ પર સુનાવણી શરુ થતાંની સાથે ટાળી દેવામાં આવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આલોક વર્માના સીલ બંધ કવરની વાતો જાહેર થતા નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસે પોતાની ટિપ્પણીમાં એવું પણ કહી દીધું કે, તમારામાંથી કોઇ પણ સુનાવણીને લાયક નથી. જેથી સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રીય બ્યૂરો (સીબીઆઈ)ના ડિરેક્ટર આલોક વર્માની અરજી પર સુનાવણી 29 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.
આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ ચીફ જસ્ટિસે આલોક વર્માના વકીલ ફલી નરીમનને અમુક દસ્તાવેજો આપ્યા અને તેમને વકીલ તરીકે તે વાંચવાનું કહ્યું છે. કોર્ટે ફલી નરીમનને પૂછ્યું કે, જે વાતો આલોક વર્માના જવાબમાં છે તે વાતો મીડિયામાં કેવી રીતે લીક થઈ. આ વિશે ફલી નરીમને કોર્ટને જણાવ્યું કે, તેમને પોતાને પણ જાણકારી નથી કે માહિતી કેવી રીતે લીક થઈ, નરીમને આ મુદ્દાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.
હકીકતમાં સોમવારે આ કેસ સાથે જોડાયેલા સીબીઆઈના ડીઆઈજી મનીષ કુમાર સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ સાથે એક અરજી દાખલ કરી હતી. તેમાં તેમણે એનએસએ અને સીવીસીમાં પણ રાકેશ અસ્થાના વિરુદ્ધ ચાલતી તપાસમાં દખલગીરી થતો હોવાનો આરોપ લગાવ્યો હતો. સિન્હાની એફિડેવિટમાં અમુક એવી વાતો પણ સામે આવી છે જે આલોક વર્માના સીલબંધ કવરની છે. આવી જ અમુક વાતો મીડિયા રિપોર્ટ્સમાં પણ સામે આવી છે. આજની સુનાવણી દરમિયાન કોર્ટે આ વિશે વાંધો દર્શાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના ડિરેક્ટર રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે આરોપ-પ્રત્યારોપ પછી બંને અગ્રણી અધિકારીઓને રજા ઉપર મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી સીવીસીએ કોર્ટને તપાસ રિપોર્ટ મોકલ્યો હતો. સોમવારે વર્માએ સીવીસીના રિપોર્ટ સામે જવાબ દાખલ કર્યો હતો.
બીજી બાજુ સીબીઆઈના ડીઆઈજી મનીષ કુમાર સિન્હાએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી સાથે દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં આરોપ લગાવ્યો છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીબીઆઈના કે.વી. ચૌધરીએ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ તપાસમાં દખલગીરી કરી છે. અસ્થાના પર લાંચ લેવાનો આરોપ છે.