કોવિશીલ્ડ-કોવેક્સીન રસીઓને મિક્સ નહીં કરાય

નવી દિલ્હીઃ દેશના નાગરિકોને કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓનાં ડોઝ આપવાના મામલે કેન્દ્ર સરકારે આજે કેટલાક મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે બે કોરોના-વિરોધી રસી (કોવિશીલ્ડ અને કોવેક્સીન)ના ડોઝને મિક્સ (બંને ડોઝ અલગ-અલગ રસી) કરવા દેવાનો હાલમાં તેનો કોઈ વિચાર નથી. એક જ રસીના બે ડોઝ લેવાની પદ્ધતિ જ ચાલુ રાખવામાં આવશે. નાગરિકોએ નિશ્ચિત કરાયેલી પ્રક્રિયા (SOP – સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર)નું જ પાલન કરવાનું છે. બે રસીના ડોઝને મિક્સ કરવાના મુદ્દે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન ચાલી રહ્યું છે. બે રસી મિક્સ કરવાની સકારાત્મક અસર મળવાની શક્યતા છે એ વાત ખરી, પરંતુ કોઈ હાનિકારક આડઅસર થવાની સંભાવનાને પણ નકારી શકાય એમ નથી. સરકારે કહ્યું છે કે આવતા જુલાઈ કે ઓગસ્ટના આરંભ સુધીમાં દેશમાં દરરોજ એક લાખ લોકોને રસી આપી શકાય એટલો પુરવઠો ઉપલબ્ધ થશે. આ વર્ષના ડિસેમ્બર સુધીમાં આખા દેશમાં રસીકરણ કરવાનું સરકારનું લક્ષ્ય છે.

દરમિયાન, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો. વિનોદ કે. પૌલે જણાવ્યું છે કે કોવિશીલ્ડ રસીના બે ડોઝના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ રસી બે ડોઝના સ્વરૂપમાં જ લેવાની રહેશે. પહેલો ડોઝ લીધા બાદ વ્યક્તિ તેનો બીજો ડોઝ 12 અઠવાડિયા પછી લઈ શકશે. જ્યારે કોવેક્સીન રસીનો પહેલો ડોઝ લેનાર વ્યક્તિએ બીજો ડોઝ 4-6 અઠવાડિયામાં લેવાનો રહેશે.