ચંડીગઢઃ મા મને પણ છમ્મવડું. ઇન્ડિયા ગઠબંધનને પશ્ચિમ બંગાળ પછી પંજાબમાં પણ મોટો આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી પંજાબમાં એકલા ચૂંટણી લડશે. CM ભગવંત માને કહ્યું હતું કે પાર્ટી કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં કરે, પંજાબની બધી 13 લોકસભા ચૂંટણી પર આપ એકલા જ ચૂંટણી લડશે. પંજાબ સંગઠનના એકલા ચૂંટણી લડવાની દરખાસ્તને કેજરીવાલે પણ મંજૂરી આપી દીધી છે.
મુખ્ય મંત્રી ભગવંત માન અનેક વાર જાહેર મંચ પર આ વાત કહી ચૂક્યા છે. આ પહેલાં સમાચાર આવ્યા હતા કે પશ્ચિમ બંગાળના CM અને તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષ મમતા બેનરજીએ પણ એલાન કરી દીધું હતું કે તેમની પાર્ટી પશ્ચિમ બંગાળમાં બધી સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. મમતા બેનરજીએ કહ્યું હતું કે પશ્ચિંમ બંગાળમાં કોંગ્રેસની સાથે તૃણમૂલ કોંગ્રેસનું ગઠબંધન નથી.
એકલા હાથે ચૂંટણી લડવાના એલાન કરતા સમયે આમ આદમી પાર્ટી પણ મમતા બેનરજીની રાહ પર ચાલતાં કોંગ્રેસ પર અડિયલ વલણનો આરોપ લગાવી શકે છે. ટૂંક સમયમાં આપ આનું એલાન પણ કરી દેશે.
આમ પાર્ટીએ પંજાબમાં કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાથી ઇનકાર કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસ, TMC અને આમ આદમી પાર્ટી- આ ત્રણે પક્ષો ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે- જે લોકસભા ચૂંટણીમાં કેન્દ્રની વિરુદ્ધ એકજૂટ છે, પણ રાજ્યોમાં આ પક્ષોના રસ્તા અલગ છે. ઇન્ડિયા ગઠબંધનની અંદરની તિરાડો હવે બહાર આવવા લાગી છે. ઇન્ડિયા ગઠબંધનનો સંઘ કાશીએ પહોંચે એવી શક્યતા લાગતી નથી.