ભાજપમાં એકમાત્ર નીતિન ગડકરીમાં જ હિંમત છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે આશ્ચર્યજનક રીતે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની પ્રશંસા કરી છે અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં એકમાત્ર ગડકરીમાં જ હિંમત છે.

રાહુલે ગડકરીને કહ્યું છે કે એમણે રફાલ સોદા, બેરોજગારી, કિસાનોની કફોડી હાલત અને સંસ્થાઓની બરબાદી જેવા વિષયો ઉપર પણ બોલવું જોઈએ.

રાહુલની આ કમેન્ટ ગડકરીએ ગઈ કાલે કરેલા એક નિવેદનને પગલે આવી છે. ગડકરીએ ગઈ કાલે એમ કહ્યું હતું કે, ‘જે લોકો ઘરની કાળજી લઈ ન શકે તેઓ દેશનો વહીવટ ચલાવી ન શકે.’

રાહુલની કમેન્ટના જવાબમાં ગડકરીએ કહ્યું કે ‘મારી હિંમત વિશે મારે ગાંધી તરફથી કોઈ સર્ટિફિકેટની જરૂર નથી.’

ગડકરીએ એવો આક્ષેપ કર્યો છે કે અમારી સરકાર પર પ્રહાર કરવા માટે કોંગ્રેસ પ્રમુખ પ્રચારમાધ્યમોએ ઉપજાવી કાઢેલા અહેવાલોની મદદ લે છે.

એક અખબારી અહેવાલમાં ગડકરીને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે, ‘પક્ષના કાર્યકર્તાઓએ પહેલાં પોતાની ઘરેલુ જવાબદારીઓ સંભાળવી જોઈએ, કારણ કે જે લોકો પોતાનું ઘર સંભાળી ન શકે એ દેશ કેવી રીતે સંભાળી શકવાના.’

રાહુલે એક ટ્વીટમાં જણાવ્યું કે, ‘ગડકરીજી અભિનંદન. ભાજપમાં એકમાત્ર તમારામાં જ થોડીક હિંમત છે. કૃપા કરીને આ વિષયો ઉપર પણ કમેન્ટ કરોઃ રફાલ સોદો અને અનિલ અંબાણી, કિસાનોની કફોડી હાલત અને સંસ્થાઓની બરબાદી.’

રાહુલે બાદમાં બીજા એક ટ્વીટમાં આમ લખ્યું હતુંઃ ‘ઓહ, ગડકરીજી… મોટી માફી… હું સૌથી મહત્ત્વનો વિષય જણાવવાનું તો ભૂલી જ ગયો… રોજગાર! રોજગાર! રોજગાર! રોજગાર!’

ગડકરીએ ગયા શનિવારે નાગપુરમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ભૂતપૂર્વ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં ઉપર મુજબની કમેન્ટ કરી હતી.