તે દિવસે હું પણ છોડી દઈશ રાજનીતિ: સ્મૃતિ ઈરાની મોદીની રાજનીતિ સંદર્ભે….

નવી દિલ્હી- કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે દિવસે રાજનીતિ માંથી સંન્યાસ લેશે, તે દિવસથી હું પણ રાજનીતિને અલવિદા કહી દઈશ. પૂણેમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કહી હતી. જોકે, આ કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, ભાજપ 2019માં ફરી સત્તામાં આવશે કે નહીં? જવાબમાં સ્મૃતિએ કહ્યું કે, લોકોને લાગી રહ્યું છે કે, મોદીજી રાજનીતિમાં હવે લાંબો સમય નહીં રહે, પરંતુ હું ખાતરી આપું છું કે, મોદી હજુ ઘણા વર્ષો સુધી રાજનીતિમાં રહેશે.

કાર્યક્રમમાં એક શ્રોતાએ પૂછ્યું કે તમે ક્યારે પ્રધાનસેવક બનશો? જવાબમાં સ્મૃતિએ કહ્યું કે કયારેય નહીં. તમને જણાવી દઈએ કે શબ્દનો પ્રયોગ વડાપ્રધાન મોદી પોતાના માટે કરે છે.

અન્ય એક સવાલના જવાબમાં કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, હાલમાં હું રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સાથે કામ કરી રહી છું. છેલ્લા 18 વર્ષોમાં મે ઘણાં નેતાઓ સાથે કામ કર્યું છે. આ મામલે હું ઘણી સૌભાગ્યશાળી રહી છું, કે મને અટલબિહારી વાજપેયી અને અડવાણી જેવા દિગ્ગજ નેતાઓના નેતૃત્વમાં કામ કરવા મળ્યું છે, તે ગર્વની વાત છે.

હવે હું મોદીજી સાથે કામ કરી રહી છું, જે દિવસે પ્રધાનસેવક નરેન્દ્ર મોદી રાજનીતિમાંથી સંન્યાસ લેશે, તે દિવસે હું પણ ભારતીય રાજનીતિને અલવિદા કહી દઈશ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]