નવી દિલ્હી- લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે, એમાંથી એક પાકિસ્તાનનો મુદ્દો પણ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિવેદન પર હવે સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. નિર્મલા સીતારમને કહ્યું કે, એવું લાગે છે કે, ઈમરાન ખાનનું નિવેદન વડાપ્રધાન મોદીને હટાવવા માટે કોંગ્રેસના ષડયંત્રનો જ ભાગ છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, જો ભારતમાં નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બનશે તો, ભારત-પાક વચ્ચે કશ્મીર મુદ્દે શાંતિ વાર્તા શક્ય છે.
નિર્મલા સીતારમને કહ્યું કે,મને નથી ખબર કે આ પ્રકારના નિવેદનો કેમ આપવામાં આવે છે. દરેક વખતે નિવેદનો આપ્યા બાદ એમ કહેવામાં આવે છે કે, પાર્ટીનું નહીં પરંતુ આ તેમનું વ્યક્તિગત નિવેદન હતું. કોંગ્રેસમાં ઘણા એવા નેતા છે, જે પાકિસ્તાન જઈને વડાપ્રધાન મોદીને હટાવવા માટે મદદ માગી રહ્યાં છે.
મહત્વનું છે કે, પુલવામા માં થયેલા આતંકી હુમલા પછીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ વધુ વણસી છે. ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઈક પાછળથી લોકસભા ચૂંટણી માટે રાજકીય મુદ્દો બની ગઈ છે.
પાકિસ્તાને એમ પણ કહ્યું હતું કે, 16થી20 એપ્રિલની વચ્ચે ભારત તેમના પર હુમલો કરી શકે છે, આ અંગે નિર્મલા સીતારમને કહ્યું કે, મને નથી ખબર કે તેમને ક્યાંથી આ પ્રકારની જાણકારી મળી, પરંતુ આ માટે તેમને ગુડલક, ભગવાન જાણે તેમનો સોર્સ કોણ છે.