નિર્ભયા કેસઃ ત્રીજીવાર ડેથ વોરન્ટ, છતાં ફાંસી ટળશે?

નવી દિલ્હીઃ દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના ચારેય દોષીતો માટે ત્રીજાવાર ડેથ વોરંટ જારી કરતા ફાંસી માટે 3 માર્ચના સવારે 6 કલાકનો સમય નક્કી કર્યો છે. 3 માર્ચે દોષીતોને ફાંસી થશે જ, તે ચોક્કસપણે હજુ ન કહી શકાય કારણ કે દોષીતોના વકીલે દાવો કર્યો છે કે, હજુ તેની પાસે કાયદાકીય વિકલ્પ બચ્યા છે. બીજીતરફ નિર્ભયાના માતાના વકીલનો દાવો છે કે 3 માર્ચે ફાંસી પાક્કી છે.

દેશને હચમચાવી નાખનાર 2012ના નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં ફાંસીની સજા મેળવેલ દોષી કાયદાની નાની નાની ભૂલ શોધીને તેનો મોટો ફાયદો ઉઠાવી રહ્યાં છે. કાયદાની સાથે દોષીતોની રમત ત્યાં સુધી ચાલું છે કે ટ્રાયલ કોર્ટે એક નહીં, બે નહીં પરંતુ ત્રીજી વાર ડેથ વોરંટ જારી કર્યું છે.

મુકેશ, વિનય અને અક્ષયની પાસે ફાંસીથી બચવા માટે હવે કોઈ કાયદાકીય વિકલ્પ બચ્યો નથી. ત્રણેયની રિવ્યૂ પિટિશનથી લઈને ક્યૂરેટિવ પિટિશન સુધી રદ્દ થઈ ચુકી છે. રાષ્ટ્રપતિને ત્યાંથી ત્રણેયની અરજી ફગાવી દેવામાં આવી છે. માત્ર પવન પાસે હવે કાયદાકીય વિકલ્પ બાકી છે. તેની રિવ્યૂ પિટિશન નકારી દેવામાં આવી છે પરંતુ ક્યૂરેટિવ પિટિશન હજુ બાકી છે. આ સિવાય તેણે અત્યાર સુધી દયા અરજી દાખલ કરી નથી.

ચારેય દોષીતોમાંથી મુકેશ, વિનય અને અક્ષયની દયા અરજીઓ રદ્દ થઈ ગઈ છે. પરંતુ ફાંસીને કોઈને કોઈ કારણે ટાળવા માટે કરવામાં આવેલા દાવપેચનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે અક્ષયના વકીલ હવે ફરીથી દયા અરજી દાખલ કરવા ઈચ્છે છે. તે માટે તેમણે આદાર બનાવ્યો કે તેના માતા-પિતાએ અધુરી દયા અરજી કરી હતી અને હવે જો કોર્ટ મંજૂરી આપે તો કેટલાક અન્ય દસ્તાવેજ લગાવીને ફરી અરજી કરશે.

નવું ડેથ વોરંટ જારી થવાથી નિર્ભયાના માતા આશા દેવીને આશા છે પરંતુ તેમણે કહ્યું કે, તેમની આશા તે દિવસે પૂરી થશે જ્યારે દોષીતોને ફાંસી આપવામાં આવશે. બીજીતરફ નિર્ભયાના માતાના વકીલ સીમા કુશવાહાએ આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો કે, આ વખતે ફાંસી ટળશે નહીં. તેમણે આ દાવાના સમનર્થનમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા દોષીતોને 7 દિવસની અંદર તમામ કાયદાકીય વિકલ્પ અજમાવવાના આદેશનો હવાલો આપ્યો છે. કુશવાહાએ કહ્યું, ‘હું સંપૂર્ણ પણે શ્યોર છું કે આ જે તારીખ છે તે ફાઇનલ એક્ઝિક્યૂશનની ડેટ છે. તેના ઘણા કારણ છે. દિલ્હી હાઈકોર્ટે દોષીતોને 7 દિવસનો સમય આપ્યો હતો કે તે આ દરમિયાન પોતાના કાયદાકીય વિકલ્પ અજમાવી લે. તે સમયગાળો 11 ફેબ્રુઆરી સુધીનો હતો. મને લાગે છે કે આ ડેટ ફાઇનલ ડેટ છે. હાઈકોર્ટે 7 દિવસનો જે સમય આપ્યો હતો તે લેપ્સ થઈ ગયો છે.’

બીજીતરફ દોષીતોના વકીલ એ.પી. સિંહે દાવો કર્યો કે, તેમની પાસે હજુ ઘણા કાયદાકીય વિકલ્પ બાકી છે. સિંહનું કહેવું છે કે, ‘પવનના સગીર હોવાના મામલામાં ક્યૂરેટિવ પિટિશન બાકી છે, પવનની એસએલપી પર પણ ક્યૂરેટિપ પિટિશન ડિસાઇડ થવાની બાકી છે. તો તેમાં રાહત ન મળે તો મર્સી પિટિશન ફાઇલ કરીશું. હજુ ઘણા લીગલ ઓપ્શન બાકી છે. અમે બધા કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરીશું.