બ્રિટિશ સાંસદને કશ્મીર જતા રોકવામાં આવ્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 70 હટાવવામાં આવ્યા બાદ બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સે મોદી સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી. બ્રિટિશ સંસદના સભ્ય અને કાશ્મીર માટે ઓલ પાર્ટી પાર્લિયામેન્ટ્રી ગ્રુપની પ્રેસિડન્ટ ડેહી ભારત પહોંચ્યા હતા પરંતુ તેમને દિલ્હી એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા. તેમને જણાવવામાં આવ્યું કે, તેમના ઈ-વીઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. બાદમાં તેમને દુબઈ પાછા મોકલી દેવાયા.

દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા બાદ ડેબી અબ્રાહમ્સે એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેઓ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે, ગત વર્ષે ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવેલા તેમના ઈ-વીઝા કે જે ઓક્ટોબર 2020 સુધી માન્ય હતા તેને રદ્દ કરી દેવામાં આવ્યા છે. તેમને આના માટે કોઈ કારણ ન જણાવવામાં આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિટિશ સાંસદ પાસે ભારત આવવાના યોગ્ય વિઝા નહોતા. બ્રિટિશ હાઈ કમીશને આ મામલે નજર રાખી હતી. કમીશનના અધિકારીઓએ કહ્યું કે, અમે જાણકારી મેળવી રહ્યા છીએ કે સાંસદના વિઝા શાં માટે રદ્દ કરવામાં આવ્યા.

તેમણે કહ્યું કે, બાકી તમામ લોકો સાથે મેં પણ ઈમિગ્રેશન ડેસ્ક પર મારા તમામ દસ્તાવેજો બતાવ્યા હતા. તેમાં મારા ઈ-વીઝા પણ હતા. મારો ફોટો લેવામાં આવ્યો હતો અને પછી અધિકારીઓએ સ્ક્રીન કર્યું અને જોઈને માથુ હલાવ્યું. બાદમાં તેમણે મને કહ્યું કે, મારા વિઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. તે લોકોએ મારો પાસપોર્ટ લીધો અને આશરે 10 મીનિટ માટે તે લોકો ત્યાંથી ગાયબ થઈ ગયા. તેઓ જ્યારે પાછા આવ્યા તો ખૂબ ગુસ્સામાં હતા અને મારી સાથે મોટા અવાજે વાત કરતા કહ્યું કે, તમે મારી સાથે આવો. મેં તેમને કહ્યું કે, મારી સાથે આ પ્રકારનું વર્તન ન કરશો.

ડેબી અબ્રાહમ્સે જણાવ્યું કે, મેં અધિકારીઓને વિઝા ઓન અરાઈવલની માંગ કરી, પરંતુ મને કોઈ જવાબ આપવામાં ન આવ્યો. તેમણે કહ્યું કે, એરપોર્ટ પર જે ઈન્ચાર્જ લાગી રહ્યા હતા તેમણે કહ્યુંકે, મને કંઈજ ખબર નથી અને જે પણ થયું તેના માટે તે શરમ અનુભવે છે. તેમણે કહ્યું કે, મારી સાથે આરોપીઓ જેવો વ્યવહાર થયો. હું સામાજિક ન્યાય અને માનવાધિકારોની રક્ષા માટે રાજનીતિમાં આવી હતી. હું મારી લડાઈ ચાલુ રાખીશ.