મુંબઈઃ ખેડૂતોના આંદોલન સંબંધિત વિવાદાસ્પદ ટૂલકિટ દસ્તાવેજ કેસમાં સંડોવાયેલાં મહિલા પર્યાવરણ રક્ષણ કાર્યકર્તા અને વકીલ નિકિતા જેકબે કબૂલ કર્યું છે કે પ્રજાસત્તાક દિન પૂર્વે ‘ઝૂમ’ એપ પરની એક મીટિંગ યોજાઈ હતી જેમાં ભારત-વિરોધી ખાલિસ્તાન ચળવળ સમર્થક પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન (પીજેએફ) સંસ્થાનો સ્થાપક એમ.ઓ. ધાલીવાલ પણ હાજર રહ્યો હતો.
તે મીટિંગમાં દિશા રવિ સહિત અન્ય સાથી કાર્યકર્તાઓ પણ હાજર રહ્યાં હતાં. જેકબે તેમનાં વકીલ મારફત મુંબઈ પોલીસને સુપરત કરેલા એક દસ્તાવેજમાં એવો દાવો પણ કર્યો છે કે ભારતમાંના ખેડૂત આંદોલનમાં રસ ધરાવતા આંતરરાષ્ટ્રીય સ્તરના લોકોને આખો મામલો સમજાવવા માટે અને સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરવા માટે ભારતના બળવાખોર સ્વયંસેવકોએ ટૂલકિટ તૈયાર કરી હતી. એમાં પોતાનો કોઈ ધાર્મિક, રાજકીય કે આર્થિક ઈરાદો નહોતો તેમજ જનજાગૃતિ ઊભી કરવા માટે ટૂલકિટ્સનું સંશોધન કરવા, ચર્ચા કરવા, એડિટ કરવા અને પછી સર્ક્યૂલેટ કરવા માટેનો પણ એમનો કોઈ એજન્ડા નહોતો. પોતે સ્વિડીશ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને માહિતી શેર કરી હોવાનો નિકિતાએ ઈનકાર કર્યો છે અને કહ્યું કે ટૂલકિટ દસ્તાવેજ એક માહિતીનો સંગ્રહ હતો અને એની પાછળનો ઈરાદો હિંસા ભડકાવવાનો નહોતો. ખેડૂત આંદોલન અંગે પ્રજાસત્તાક દિન પૂર્વે ટ્વિટર પર ઉહાપોહ મચાવી દેવા માટે ધાલીવાલે એના સાથી પુનીત (કેનેડિયન નાગરિક) મારફત નિકિતાનો સંપર્ક કર્યો હતો એવા અહેવાલને પગલે પોલીસે ભારત વિરુદ્ધ ષડયંત્ર ઘડવાના આરોપસર નિકિતા તથા મહારાષ્ટ્રના બીડ શહેરના વતની શાંતનૂ વિરુદ્ધ બીન-જામીનપાત્ર વોરન્ટ ઈસ્યૂ કર્યું હતું. દિશાએ ટૂલકિટ દસ્તાવેજ ગ્રેટા થનબર્ગને શેર કર્યું હતું. દિશાને દિલ્હી પોલીસે પકડી છે અને પાંચ દિવસ માટે એની રિમાન્ડ કસ્ટડી મેળવી છે. દિશાએ કોર્ટમાં કબૂલ કર્યું હતું કે તેણે ટૂલકિટમાં માત્ર બે લાઈન એડિટ કરી હતી અને તે ખેડૂતોના આંદોલનનું સમર્થન કરવા ઈચ્છતી હતી.
