અજમેર-શરીફ દરગાહ પર 7મી-વાર PMને નામે ચાદર ચઢશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી તરફથી મહાન સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની અજમેર સ્થિત દરગાહ પર ચાદર ચઢાવવામાં આવશે. મુખ્તાર અબ્બાસ નકવી વડા પ્રધાનના નામની ચાદર અજમેર દરગાહ પર ભેટ કરશે. આ સાતમી વાર છે, જ્યારે વડા પ્રધાને ખ્વાજાની દરગાહ પર ચાદર ચઢાવવા માટે ચાદર મોકલી છે.

વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે પણ ખ્વાજાની દરગાહ પર ચાદર ચઢાવવા માટે મોકલી હતી. ત્યારે પણ મુખ્તાર અબ્બાસ નકવી જ ચાદર લઈને અજમેર ગયા હતા. વડા પ્રધાન તરફથી દરગાહ પર પીળા રંગની ઘેરી ચાદર લઈ જવામાં આવી છે, જે શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. અજમેર શરીફની દરગાહ પર ચઢાવવા માટે ચાદર મોકલતાં પહેલાં વડા પ્રધાને કેટલાક મુખ્ય લોકો સાથે મુલાકાત કરી હતી.

અજમેર દરગાહ પર ચાદર ચઢાવવાની માહિતી ખુદ વડા પ્રધાને ટ્વીટ કરીને આપી હતી. અજમેરની દરગાહ પર ગરીબ નવાઝના 809ના ઉર્સના પ્રસંગે આ ચાદર વડા પ્રધાન તરફથી તેમને ભેટ કરવામાં આવી હતી.