20-વિદેશી રાજદૂતો આજથી જમ્મુ-કશ્મીરની બે-દિવસની મુલાકાતે

શ્રીનગરઃ વિદેશી રાષ્ટ્રોના 20 રાજદૂતોની કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની બે-દિવસની મુલાકાતનો આજથી આરંભ થશે. કેન્દ્ર સરકારે 2019ની પાંચ ઓગસ્ટે જમ્મુ અને કશ્મીર રાજ્ય માટે લાગુ કરાયેલી બંધારણની વિશેષ 370મી કલમ રદ કરીને રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશ – જમ્મુ અને કશ્મીર તથા લદાખમાં વિભાજન કર્યું તે પછી વિદેશી દેશોના રાજદૂતોની આ પ્રકારની ચોથી મુલાકાત છે. આ રાજદૂતો 2019ના ઓક્ટોબરમાં, 2020ના જાન્યુઆરીમાં અને 2020ના ફેબ્રુઆરીમાં જમ્મુ-કશ્મીરની મુલાકાતે આવ્યાં હતાં.

(Image courtesy: PixaHive.co)

રાજદ્વારીઓના પ્રતિનિધિમંડળની આગેવાની યૂરોપીયન યૂનિયન રાજદૂત યૂગો એસ્ટુટો લઈ રહ્યા છે. પ્રતિનિધિમંડળમાં યૂરોપીયન યૂનિયન, આફ્રિકન અને મધ્યપૂર્વના દેશોના રાજદૂતો તેમજ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ના સભ્યોનો સમાવેશ થાય છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના આમંત્રણને પગલે આ વિદેશી રાજદૂતો ફરી જમ્મુ-કશ્મીરની મુલાકાતે આવ્યાં છે. આ સભ્યો 18 ફેબ્રુઆરીના ગુરુવારે શિયાળુ પાટનગર જમ્મુ જશે અને કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાને મળશે અને પછી એમની મુલાકાતનું સમાપન કરશે.