PMના જન્મદિને રસીકરણનો નવો-રેકોડઃ બે કરોડથી વધુ ડોઝ અપાયા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે. આ પ્રસંગે રેકોર્ડ રસીકરણનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ લક્ષ્ય હેઠળ રસીકરણનો આંકડો ચોથી વાર એક કરોડના આંકડાને પાર કરતાં બે કરોડને પાર પહોંચ્યો છે. 27 ઓગસ્ટે 1,03,35,290એ રસી લાગી હતી. એ પછી 31 ઓગસ્ટે 1,33,18,718 રસી આપવામાં આવી હતી. છઠ્ઠી સપ્ટેમ્બરે 1,13,53,571 ડોઝ આપવામાં આવ્યા હતા. વડા પ્રધાનના જન્મદિને વધુ ને વધુ રસીકરણ કરવાની યોજના છે. આરોગ્ય મંત્રાલયથી સંકળાયેલાં સૂત્રો મુજબ હાલની ઝડપ જોતાં આ આંકડો 2.5 કરોડ સુધી પહોંચી જશે.

રાજ્યોને જેટલી રસીની જરૂર છે, કેન્દ્ર એનો સપ્લાય કરવામાં સક્ષમ છે. દેશમાં રસીની કોઈ અછત નથી. સાંજ સુધીમાં રાજ્યોની પાસે 7.60 કરોડ ડોઝ ઉપલબ્ધ હતા.

આ મહિનાના અંત સુધીમાં કોવિડની ડીએનએ રસીના એક કરોડ ડોઝ આવી જશે. સપ્ટેમ્બરમાં કોવિશિલ્ડના 20 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગયા મહિને કોવિશિલ્ડના 19 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. કોવેક્સિનના આ મહિને 3.25 કરોડ ડોઝ આવશે.

આ પહેલાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ બધા નાગરિકો માટે કોરોનાની મફત રસીની ઘોષણા કરી હતી. માંડવિયાએ અત્યાર સુધી રસી નહીં લેનારા લોકોને રસી લગાવીને વડા પ્રધાનના જન્મદિને ભેટ આપવાનો આગ્રહ કર્યો છે. સરકારનું લક્ષ્ય વડા પ્રધાનના જન્મદિવને મહત્તમ સંખ્યામાં કોરોનાની રસીકરણનો રેકોર્ડ બનાવીને ઇતિહાસ બનાવવાનો છે. દેશમાં બુધવારે કોરોનાની રસીકરણનો આંકડો 76 કરોડને પાર કરી ગયો હતો.